ચટાકેદાર પનીરની વાનગીઓ ખાનાર લોકો ચેતી જજો, સુરતમાં જપ્ત 250 કિલો પનીર અખાદ્ય નીકળ્યું - surat news
ખોરાક અને આરોગ્યને સીધો સંબંધ હોવાથી તેની સલામતી પ્રત્યે સાવચેત રેહવુ એ મહત્વપુર્ણ છે. રૂપિયો રળવા માટે માનવી કે વેપારી ભેળસેળ કરે છે. અસલ વસ્તુમાં તેના જેવી બીજી સસ્તી વસ્તુ નાંખે છે. પછી ભલેને તે માનવીના આરોગ્ય માટે નુકશાનકારક હોય પણ લોકો આ હિનકૃત્ય કરે છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. તો જાણીએ વિગતે..
Published : Apr 3, 2024, 5:27 PM IST
|Updated : Apr 3, 2024, 6:27 PM IST
સુરત: પનીર ટીક્કા, પનીર અંગારા, પનીર કોફતા, પનીર ચીલી જેવી પનીરની વાનગીઓ ખાતા પહેલા ચેતી જજો કારણ કે થોડા દિવસો પહેલા આરોગ્ય વિભાગે જે પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો તેમાં મિલ્ક ફેટની જગ્યાએ પામફેટનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. એટલે બજારમાં ઘણા લોકો આવા પનીર વેચી રહ્યા છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આરોગ્ય વિભાગે આ સમગ્ર મામલે એક્ઝિક્યુટિવ કોર્ટમાં ફરિયાદ કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પાનફેટનો ઉપયોગ: સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી થોડાક દિવસો પહેલા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગએ 230 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો જે વલસાડથી મોકલવામાં આવ્યો હતો. આ પનીર ભેળસેળયુક્ત લાગતા આરોગ્ય વિભાગે તેને લેબોરેટરીમાં મોકલી તેની ચકાસણી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પાનફેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલું જ નહીં બાઈન્ડીંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરાયો હતો. જોકે લેબથી રિપોર્ટ આવતાની સાથે જ આરોગ્ય તંત્ર પણ હરકતમાં છે.
પનીર સબસ્ટાન્ડર્ડ: આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિકારી જગદીશ સાલુકેએ જણાવ્યું હતું કે, જે પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો તે આરોગ્ય લક્ષી ન હોવાનું જાણવા મળ્યું છે. પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પનીરનો જથ્થો વલસાડથી મોકલવામાં આવ્યો હતો. આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે તેમાં બાઈન્ડીંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરાયો હતો. પનીર અખાદ્ય હોવાનું સામે આવતા જ આરોગ્ય વિભાગે એક્ઝિક્યુટિવ કોર્ટમાં ફરિયાદ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.