પરેશ દવે, અમદાવાદ: વર્ષ-2015માં ગુજરાતમાં પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા અને અનામતનો લાભ મળે એ હેતુથી પાટીદાર અનામત આંદોલન થયું હતું. આ આંદોલનના કારણે ગુજરાતની રાજનીતિમાં અનેક પ્રવાહો બદલાયા હતા. 7, ફેબ્રુઆરી-2025ના દિવસે રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે વિવિધ તત્કાલિન આંદોલનકારીઓ સામે કેસો નોંધવામાં આવ્યા હતા, જે પૈકી 14 કેસો પરત લેવાની જાહેરાત પાટીદાર નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા થકી કરવામાં આવી છે. ત્યારે જાણીએ શું છે પાટીદાર અનામત આંદોલનના કેસ વાપસીનુ કારણ અને રાજકારણ...
ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનો દબદબો
ગુજરાતમાં 15 ટકા વસ્તી ધરાવતા પાટીદાર સમાજનો છેલ્લા ચાર દાયકામાં રાજકારણ, અર્થકારણ અને સમાજ કારણમાં દબદબો રહ્યો છે. ગુજરાતમાં પાંચ મુખ્યમંત્રી અને છેલ્લાં ત્રણ પૈકીના બે મુખ્યમંત્રી પટેલ સમાજથી આવ્યા છે. પહેલા આફ્રિકા અને ત્યાર બાદ ઇંગ્લેન્ડ તથા અમેરિકામાં પણ પટેલ પાવરનો દબદબો રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી હીરા ઉદ્યોગ, ખેતી, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ ઉદ્યોગોમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ રહ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પહેલાં કોંગ્રેસ અને ત્યાર બાદ જનતાદળ ગુજરાતથી ચાર વખત મુખ્યમંત્રી બન્યા હતા. તો જનતા પક્ષના બાબુભાઈ પટેલ કટોકટી કાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા. ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ-2014માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પાટીદાર રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે રાજ્યની ધુરા સંભાળી હતી. હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, જેઓની બીજી ટર્મ છે. આ સાથે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ પણ પાટીદાર છે. આ સાથે સૌરભ પટેલ, વિઠ્ઠલ રાદડિયા, દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, કૌશિક પટેલ સહિતના પાટીદાર આગેવાનોને મહત્વના હોદ્દા મળ્યા છે.
પાટીદાર અનામત આંદોલન રાજકારણનું એપી સેન્ટર હતુ, આજે પણ યથાવત છે
છેલ્લા ત્રણ દાયકાથી હીરા ઉદ્યોગ, ખેતી, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ ઉદ્યોગોમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ રહ્યું છે. પણ પાટીદાર સમાજનો એક વર્ગ રાજ્ય અને સમાજના વિકાસથી વંચિત રહ્યો છે એવો સૂર સતત વધતો ગયો હતો. પણ વર્ષ - 2015માં પાટીદાર સમાજને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માં સમાવેશ કરીને અનામત આપવાની માંગણી સાથે આંદોલન શરૂ થયું હતુ. આ આંદોલનનો આરંભ વિસનગર ખાતે હિંસક બન્યો હતો. ત્યાર બાદ 25, ઓગસ્ટ - 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલનના આગેવાનો દ્વારા રેલીનું આયોજન હાથ ધરાયું હતુ, જેમાં રાત્રે પોલીસે બળપ્રયોગ કરતાં અમદાવાદ સહિત રાજ્યના અનેક પાટીદાર બહુમૂલક વિસ્તારમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને કરોડોની જાહેર મિલકતનું નુકસાન થયું હતુ. પાટીદાર અનામત આંદોલનમાં પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ 14 વ્યક્તિના નિધન થયા હતા. 2015થી પાટીદાર અનામત આંદોલન,આંદોલનના નેતાના કાયદેસર કેસ અને આંદોલનમાં મૃત્યુ પામનાર 14 વ્યક્તિઓના નામે સતત રાજકારણ જોવા મળ્યું છે.
પાટીદાર અનામત આંદોલનથી બદલાયું ગુજરાતનું રાજકારણ
રાજ્યમાં 2015ના પાટીદાર અનામત આંદોલનની સામે ઓબીસી એકતા મંચની સ્થાપના થઈ હતી. પાટીદાર અનામત આંદોલનના કારણે રાજ્યને ત્રણ યુવા ચહેરા જાહેર જીવનમાં મળ્યા હતા. પાટીદાર આંદોલનના ચહેરા તરીકે હાર્દિક પટેલ, ઓબીસી સમાજના હિત રક્ષક તરીકે અલ્પેશ ઠાકોર અને અનુસૂચિત જાતિ સમાજના પ્રહરી તરીકે જીગ્નેશ મેવાણી આગેવાન તરીકે ગુજરાતના રાજકારણમાં ઉભર્યા. વર્ષ - 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન નોંધાયું હતુ. તો 2017ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ફક્ત 99 બેઠકો સુધી સિમીત રહ્યું હતુ, અને કોંગ્રેસના ફાળે 77 બેઠકો આવી હતી. 2015ના પાટીદાર અનામત આંદોલનના કારણે રાજ્યમાં ભાજપ સરકાર અને સંગઠનમાં સતત પ્રશ્નો રહ્યા હતા. જેના કારણે 7, ઓગસ્ટ 2016ના રોજ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોશિયલ મીડિયા પર રાજીનામું આપી સનસની સર્જી હતી. અત્રે નોંધનીય છે કે, આનંદીબેન પટેલની સરકાર ગયા બદા 2017ની વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 99 બેઠકો ભાજપને મળી હતી. જેમાં પાટીદારોનો અસંતોષ કેન્દ્રસ્થાને હતો.
આંદોલનકારી રાજકારણી બન્યા, સમાજ બાદ પહેલા પક્ષને પણ છોડયો
2015 થી 2019 સુધી હાર્દિક પટેલ જેલવાસ અને ત્યાર બાદ પક્ષીય રાજકારણમાં પ્રવેશી પાટીદાર અનામત આંદોલનના મુદ્દે જાહેર જીવનમાં ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 2019માં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો. એ પહેલાં ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગ માટે રુપિયા એક હજાર કરોડનું ભંડોળ રચવામાં આવ્યું હતુ. જેનો શ્રેય પાટીદાર અનામત આંદોલનને જાય છે. કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત કર્મશીલ જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસને સક્ષમ કરવાના પ્રયાસ કર્યા હતા. સમય પસાર થતા 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પૂર્ણ તરીકે સફાયો થતા કોંગ્રેસથી 2022માં હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો અને વિરમગામથી ધારાસભ્ય બન્યો. જ્યારે ઓબીસી ચહેરા તરીકે જાણીતા બનેલા અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ 2019માં છોડી 2022માં ગાંધીનગર ઉત્તરથી વિધાનસભા ચૂંટણી લડી હાલ ભાજપના ધારાસભ્ય છે. કોંગ્રેસના જીગ્નેશ મેવાણી હાલ કોંગ્રેસના ધારાસભ્ય છે.
2015થી પાટીદાર અનામત આંદોલનના નેતા સામેના કેસો બન્યા છે રાજકારણનો મુદ્દો
2015 થી 2025 સુધીના એક દાયકામાં રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના નેતા સામે થયેલા કાયદેસરના કેસ રાજકારણનો અખાડો બન્યા છે. પાટીદાર અનામત આંદોલનના ચહેરા તરીકે જાણીતા બનેલા હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસ અને ત્યાર બાદ ભાજપમાં જોડાયા. આ આંદોલનના આગેવાન તરીકે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહના કેસ ચાલ્યા હતા. 2015માં જ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદાર આગેવાનો સામે કેસ પરત ખેંચવા અને આંદોલન દરમિયાન શહીદ થયેલ 14 પાટીદાર વ્યક્તિના કુંટુબના એક સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો. જે એક દસકામાં અને ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં પૂર્ણ થયો ન હતો. એક તરફ જ્યારે અમરેલીમાં પાયલ ગોટીની ધરપકડ અને પોલીસ દ્વારા સરઘસ નીકાળવાના મુદ્દે પાટીદાર રાજનીતિ ચાલી રહી છે ત્યારે પાટીદાર સમાજને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાથે રાખવા માટે આંદોલનના આગેવાનો સામેના કેસો પરત લીધા હોય તેવી શક્યતા છે. આ સાથે અમરેલીમાં નકલી લેટરકાંડથી પાટીદાર નેતૃત્વ અને કાર્યકરોમાં વિખવાદ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને ખોડલઘામના નરેશ પટેલ વચ્ચે સમાજના વર્ચસ્વ માટેની શાબ્દિક લડાઈ પણ કેસ વાપસી થકી નવી ચર્ચા થાય એ માટે કારણ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લા વિભાજન અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ભાજપ આગેવાનો પૈકી એક ને જમીન દલાલ કહેતા પાટીદાર સમાજનું સંતુલન બગડ્યું છે. આ સાથે નીતિન પટેલની સતત પાટીદાર અનામત આંદોલન બાબતની ટિપ્પણી પણ આ કેસ વાપસી માટે કારણભૂત હોઈ શકે એમ છે.