પાટણ:ધારપુરની મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીના મોતને લઈને રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગત શનિવારે એટલે કે 16મી નવેમ્બરની રાત્રે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા અનિલ નટવરલાલ મેથાણિયા નામના વિદ્યાર્થીનું મોત થયું હતું.
કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનો આરોપ છે અને આ મામલે રેગિંગ કરનારા 15 વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પાટણના એડિશનલ ડીન અને પ્રોફેસર અનિલકુમાર ગોકુલસિંહે બાલીસણા પોલીસ સ્ટેશનમાં પોતાની જ કોલેજના 15 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ
- અવધેશ અશોકભાઈ પટેલ
- હિરેન મનસુખભાઈ પ્રજાપતિ
- તુષાર પીરાભાઈ ગોહલેકર
- પ્રકાશ માધાભાઈ દેસાઈ
- જયમીન સવજીભાઈ ચૌધરી
- પ્રવીણ વરજાંગભાઈ ચૌધરી
- વિવેક ગમનભાઈ રબારી
- રૂત્વીક પુરશોત્તમભાઈ લીંબાડીયા
- મેહુલ પ્રતાપભાઈ ઢેઢાતર
- સુરજલ રૂડાભાઈ બલદાણીયા
- હરેશ ગંભીરભાઈ ચાવડા
- વૈભવકુમાર વિકેશકુમાર રાવલ
- પરાગ ભરતભાઈ કલસરીયા
- ઉત્પલ શૈલૈષભાઈ વસાવા
- વિશાલ લગધીરભાઈ ચૌધરી
ધારપુર મેડિકલ કોલેજના એક ગ્રુપના સ્ક્રીન શોટ વાયરલ
વૉટ્સએપ ગ્રુપના ચોંકાવનારા સ્ક્રીન શોટ સામે આવ્યા છે. ધારપુર મેડિકલ કોલેજના FY Official BOYS 2024 ગ્રુપમા કુલ 6 જગ્યાએ જુનિયર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા તેવા સ્ક્રીન શોટ વાયરલ થયાં છે. ઘટનાના દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રે 9:30 કલાક સુધી અલગ-અલગ વિભાગમાં જવા જુનિયર વિદ્યાર્થીઓને મેસેજ કરાયા હતા.
તે રાતે શું બની હતી ઘટના
પોલીસમાંથી મળતી માહિતી અનુસાર 16 નવેમ્બરની રાતે કોલેજ કેમ્પસના બોયઝ હોસ્ટેલના બ્લોક-બીમાં બીજા માળે કોમન રૂમમાં ઈન્ટ્રોડ્ક્શન માટે ભેગા થયા હતાં અને તે દરમિયાન રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ અનિલ મેથાણિયા અચાનક ચક્કર આવવાથી પડી ગયો હતો. અને સારવાર દરમિયાન તેનું મૃત્યું નીપજ્યું હતું. આ ઘટનાની જાણ રાતે 1 વાગ્યે મેડિકલ કોલેજના ડિન હાર્દિક શાહને કરવામાં આવી હતી. ઈન્ટ્રોડક્શન બાબતે બોલાવી સિનિયર્સ વિદ્યાર્થીઓએ અનિલને રાત્રીના સાડા આઠથી રાતના બારેક વાગ્યા સુધી સતત ઉભો રાખી રેંગિગ કરી હતી અને તે દરમિયાન તેને ચક્કર આવતા પડી ગયો હતો અને તેમાં તેનું મૃત્યું થયું હતું.