પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલે બાલીસણા પોલીસે તમામ 15 આરોપીઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે મોબાઈલ કબજે કરવા, ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું છે કે નહીં તે સહિતના 5 જેટલા મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટમાં પોલીસે સાક્ષી અધિનિયમન કાયદા અનન્વયે સંયોગી પુરાવા એકત્ર કરવા ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે બંને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે તમામ વિદ્યાર્થીઓની કરી પૂછપરછ
ખાસ છે કે, પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ મામલે ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ્સ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમની પોલીસે સોમવારે સાંજે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપીઓના વકીલે રેગિંગને નિર્દોષ મસ્તી ગણાવી
આ તમામ વિદ્યાર્થીઓનું આજે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. ત્યારે સાંજે તેઓને એડિશનલ સિવિલ કોર્ટમાં રજૂ કરાયા હતા અને પોલીસે 3 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન આરોપીઓના વકીલે કોર્ટમાં રેગિંગને નિર્દોષ મસ્તી ગણાવી હતી.