ગુજરાત

gujarat

કચ્છ સરહદેથી ઘૂસણખોરી કરી રહેલો પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ડ્રગ અને ઘૂસણખોરનું કોઈ કનેક્શન ? - Pakistani infiltrator

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 2:44 PM IST

કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ સીમાઓથી છાશવારે ડ્રગ ઝડપાઈ રહ્યું છે. ત્યારે હાલમાં જ રણ સીમાથી BSF ના જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા એક શખ્સને ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું છે.

ઘૂસણખોરી કરી રહેલો પાકિસ્તાની નાગરિક ઝડપાયો
ઘૂસણખોરી કરી રહેલો પાકિસ્તાની નાગરિક ઝડપાયો (ETV Bharat Reporter)

કચ્છ :અવારનવાર કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવવાના સિલસિલા વચ્ચે BSF જવાનોએ કચ્છની રણ સીમાએ ફેન્સીંગ ક્રોસ કરી ભારતમાં ઘૂસી રહેલા પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડયો છે. હાલ પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. BSF ના જવાનોએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો :આ અંગે મળતી વિગત અનુસાર BSF જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન વિઘાકોટ નજીકના બોર્ડર પિલર નંબર 1125 પાસેથી એક શખ્સ બોર્ડર ક્રોસ કરી રહ્યો હતો. BSF જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો. આ બોર્ડર નજીક પાકિસ્તાનનું મીઠાઈ નામનું ગામ આવેલું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પાકિસ્તાની શખ્સ સિયાલકોટનો વતની હોવાની કબૂલાત કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીએસએફના જવાનો દ્વારા ઘૂસણખોરની સઘન તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

કોણ છે પાકિસ્તાની ઘૂસણખોર ?ઝડપાયેલા ઘૂસણખોર સિયાલકોટનો અફઝલ નામનો પાકિસ્તાની નાગરિક છે. પ્રાથમિક તપાસ દરમિયાન અફઝલે BSF જવાનો પાસે પાણી અને સિગારેટની માંગણી કરી હતી. BSF જવાનોએ જે જગ્યાએથી પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને ઝડપ્યો છે, ત્યાંથી પાકિસ્તાનનું અલીબંદર માત્ર 18 કિલોમીટર દૂર જ આવેલું છે. 30 વર્ષીય પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી હાલ કોઈ પણ શંકાસ્પદ કે જોખમી સામગ્રી મળી આવી નથી.

ડ્રગ અને ઘૂસણખોરનું કોઈ કનેક્શન ?ઉલ્લેખનીય છે કે, 6 મહિના અગાઉ પણ કચ્છની બોર્ડર ક્રોસિંગની ઘટના સામે આવી હતી. જેમાં જાન્યુઆરી, 2024માં બોર્ડર પિલર નંબર 1137 થી એક ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. છેલ્લા 11 દિવસોથી કચ્છના દરિયા કિનારા પરથી ડ્રગ્સના પેકેટ પકડાઈ રહ્યા છે. તેવામાં આજે સવારે આ ઘૂસણખોરીની ઘટના ઘટતા બન્ને વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં પણ BSF દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

  1. Pakistani infiltrator : કચ્છની બોર્ડર પરથી ઘૂસણખોર ઝડપાયો, તપાસમાં સામે આવી વિગત
  2. BSF જવાનોએ ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી એક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડયો

ABOUT THE AUTHOR

...view details