મોરબી:જિલ્લા મહાનગરપાલિકાનાં સ્થાપના દિવસે જનરલ બોર્ડની મિટીંગ મળી હતી. જેમાં શાસક તેમજ વિપક્ષનાં કોર્પોરેટરોની સઘન ચેકીંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ પ્રશ્ન ભાજપનાં કોર્પોરેટરનો હતો. જેમાં અડધો કલાક જેટલો સમય વીતી ગયા છતાં વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાએ પોતાનાં રોગચાળાનાં પ્રશ્નનો જવાબ આપવા અંગે હોબાળો કર્યો હતો. વશરામ સાગઠીયાને શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. મનપા કમિશ્નર ગેરહાજર હોવાથી ડે. કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા આ બોર્ડમાં જવાબો અપાયા હતા.
વશરામ સાગઠીયાએ આક્રોશ ઠાલવ્યો: વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હું આતંકવાદી હોય તેમ મારું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે બંધારણની વિરુદ્ધ છે. તેમજ જનરલ બોર્ડમાં પણ હંમેશાની જેમ કોંગ્રેસના પ્રજાલક્ષી પ્રશ્નો ધ્યાને લેવામાં આવ્યા નહોતા. જેને લઈને મેં રોગચાળાનો અને ડેંગ્યુનાં કારણે થતા મોતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. પણ મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે માર્શલ દ્વારા મને બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. તંત્ર રોગચાળાનાં આંકડા છુપાવે છે. અને આંકડાઓ બહાર ન આવે તે માટે વિપક્ષને પૂરી અને સાચી વિગતો અપાતી નથી. ભાજપના શાસકોએ લોકશાહીનું ખૂન કર્યાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.