હૈદરાબાદ:19, જુલાઈના રોજ એક વર્ષ પહેલા મોડી રાત્રે અમદાવાદના એસ.જી. હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જનાર તથ્ય પટેલની સામે તપાસને પણ એક વર્ષ પુરું થયું છે. આ અકસ્માતમાં કમનસીબે 9 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા, જે પૈકી બે પોલીસ કર્મી હતા. લોકોનો પ્રચંડ રોષ થતા સરકારે કોઇને પણ છોડવામાં નહીં આવે એવી ગર્જના કરી હતી. પણ એક વર્ષ બાદ તથ્ય પટેલ સામે આરોપનામું પણ તૈયાર કરી શકાયું નથી. એક વર્ષ પહેલા કેવો હતો અકસ્માત અને હાલ આ કેસની શું છે સ્થિતિ ચાલો જાણીએ.
તથ્ય પટેલનો બીજા અક્માતમાં 9 નિર્દોષો બેરહેમીથી મૃત્યુ પામ્યા હતા:તથ્ય પટેલ પોતાની કાર જોખમી રીતે ચલાવવા માટે કુખ્યાત હતો. અને ઇસ્કોન બ્રિજના અકસ્માત પહેલા પણ સિંધુભવન ખાતેની એક રેસ્ટોરેન્ટ પાસે થાર કારનો અકસ્માત કરી ચૂક્યો હતો. નાઈટ લાઇફનો શોખીન તથ્ય પટેલે 19, જુલાઈ - 2023ના રોજ પોતાના મિત્ર પાસે મેળવેલી જેગુઆર ગાડીને 150ની સ્પીડે બેફામ હંકારીને નવ નિદોર્ષ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
અકસ્માત સમયે તથ્યની કારમાં તેનો એક મિત્ર અને બે છોકરીઓ સવાર હતી. તથ્યની કારમાં મોટેથી સંગીત વાગતું હતુ અને બ્રિજ પર પહેલાથી અકસ્માત થયેલ થાર કાર પાસે ઉભા રહેલા ટોળા પર તેણે કાર ચઢાવી દીધી હતી. જેમાં નવ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા તે પૈકી બે પોલીસકર્મીઓ હતા. 20, જુલાઈએ રાત્રે એક વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતના પોણા કલાક પહેલા ડમ્પર અને થાર કાર વચ્ચે એ જ જગ્યાએ અકસ્માત થયો હતો. અકસ્માતના રિકંસ્ટ્રક્શન દરમિયાન જાણવા મળ્યું કે, તથ્યની કાર બ્રેક મારવામાં 12 સેકન્ડ મોડી પડી હતી.
તથ્ય પટેલ જેલમાં છે, પણ આરોપનામુ ઘડાયું નથી:એક વર્ષ પહેલા બેફામ કાર હંકારીને નવ નિદોર્ષ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ હાલ તેના બેજવાબદાર કરતુતના કારણે સાબરમતી જેલમાં આરોપી તરીકે જીવન ગુજારે છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કેન્સરની સારવારના કારણે જામીન પર છે. તથ્યના અકસ્માત સમયે સત્વરે ઘટના સ્થળે પહોંચેલા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ રાજકીય ઘરોબો ધરાવે છે. જેના કારણે તથ્યને મોડો મેડિકલ રિપોર્ટ માટે મોકલાયો હતો. આ કેસમાં નજરે જોનારા કુલ 191 સાક્ષીઓ છે. છતાં અકસ્માતને એક વર્ષ બાદ પણ તથ્ય સામે કોઈ આરોપનામુ ઘડી શકાયુ નથી એ વાત આશ્ચર્ય જન્માવે છે. અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 1,684 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી. આરોપનામુ ન ઘડાતા તથ્ય પટેલનો કેસ ટ્રાયલમાં આવ્યો નથી. નવાઈની વાત તો એ છે કે, તથ્ય પટેવ સામેનો કેસ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કહ્યું હતુ, પણ આ બબાતે સરકર ખુદે જ કોર્ટમાં કોઈ રજૂઆત કરી નથી.
તથ્ય પટેલે સર્જેલા અકસ્માતે પરિવારોને બરબાદ કરી નાંખ્યુ - બસ હવે ન્યાયની જ અપેક્ષા:પૈસાદાર નબીરા તથ્ય પટેલે 20, જુલાઈ - 2023ની રાત્રે સર્જેલા અકસ્માતમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર ચૂડાના વતની હતા. અરમાન વઢવાણિયા અને અમન કચ્છી સુરેન્દ્રનગરના રહેવાસી હતા. બોટાદ તાલુકાના ત્રણ મૃતકોમાં રોનક વિલપરા, કુણાલ કોડિયા અને અક્ષર પટેલ હતા. અમદાવાદના નિલેશ ખટીક, નીરવ રામાનુજ અને અમદાવાદના પોલીસ કર્મી જસવંતસિંહ ચૌહાણ હતા. એકસ્માત બાદ રાજ્ય સરકારે મૃતક પરિવારોને ચાર લાખની સહાય આપી. પણ એક નબીરાની બેદરકારીથી મૃત્યુ પામેલા યુવાઓ અને ઘરમા મોભીઓની ખોટ તો ક્યારેય નહીં પુરાય. સમાજ ઈચ્છે છે, કે ઘનિક નબીરા પોતાના શોખ ખાતર કોઈનો ભોગ ન લે, સરકાર પોતે આપેલ વચન પ્રમાણે તથ્ય સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને મૃતકોનાપરિવારોને સમયસર ન્યાય અપાવે તેવી સૌની આશા છે.
- તથ્યકાંડની જેગુઆર કોણ છોડાવી ગયું ? અમદાવાદ પોલીસે આખરે અફવાનો અંત આણ્યો - Iskcon Bridge Accident Case
- એસ.જી. હાઈવે કેમ બન્યો છે અકસ્માત ઝોન, જાણો... - SG highway accident zone