અમરેલી: એશિયાઈ સિંહ ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ આખા ગુજરાત અને દેશની પણ શાન છે, સિંહ અને સિંહણએ ગીરનું ઘરેણું છે. સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે અને સિંહ પરિવારમાં પણ અનોખું નામ ધરાવતી આ સિંહણનું નામ છે રાજમાતા.
વિશ્વમાં ત્રણ મોટા રેકોર્ડ: સિંહણ રાજમાતાના નામે વિશ્વમાં ત્રણ મોટા રેકોર્ડ નોંધાયેલા છે કે, જે હજી સુધી કોઈ તોડી શક્યું નથી. સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવવાનો વિશ્વ વિક્રમ ઉપરાંત મુકત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ તેના નામે છે. રાજમાતા સિંહણે તેનાજીવનકાળમા 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.
'રાજમાતા' સિંહણની અનોખી કહાની (Etv Bharat Gujarat) 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યું: સમગ્ર વિશ્વમાં મુકત વિહરતી સિંહણોમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય આ રાજમાતા સિંહણે ભોગવ્યું હતું, ગીર જંગલ બહાર નીકળી શેત્રુજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજય જમાવનાર રાજમાતા સિંહણે ક્રાંકચ પંથકને વિશ્વભરના નકશામા ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હોય તેમ ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમા ગામની સીમમા તેની પ્રતિમા સ્થાપીત કરી છે. અહીંથી આ સાવજ કુળ વિસ્તરીને અન્ય વિસ્તારોમા પણ સ્થાયી થયો હતો રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તેવુ કામ ગામ લોકોએ કર્યુ છે.
ક્રાંકચ ગામ ખાતે રાજમાતા સિંહણની પ્રતિમા સ્થાપિત કરાઈ (Etv Bharat Gujarat) સિંહણનું સ્મારક: લીલીયા તાલુકાના વન્યપ્રાણી પ્રેમી રાજન જોશી જણાવ્યું કે આ સ્મારક બનાવવાનો વિચાર વર્ષ 2020માં આવ્યો હતો, જ્યારે આ સિંહણનું બેસણું રાખવામાં આવ્યું હતું. આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજભાઈ જોશી, ડો. જલપાન રૂપાપરા,ડો. પૂર્વેશ કાચા,ભરતભાઈ ખાચર સહિતના સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા ક્રાંકચના લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
સ્થાનિક પત્રકાર મનોજ જોશીએ આગળ જણાવ્યું હતું કે, રાજમાતા પ્રત્યે ન માત્ર ગીર પરંતુ ગોંડલ અને ઉપલેટા પંથકના લોકો પ્રેમ ધરાવતા હતા. દિવાળીની એક રાતે રાજમાતાનું લોકેશન ટ્રેસ થયું અને ત્યાંથી તેનું રેસ્ક્યૂ કરીને તેને જુનાગઢના સક્કરબાગમાં લાવવામા આવી હતી. ત્યારે ગ્રામપંચાયત સહિત ગ્રામજનોએ સરકારને પત્ર લખ્યો હતો અને રાજમાતા સિંહણ પરત પોતાના વિસ્તારમાં છોડવાની માંગ કરી હતી.
રાજમાતા સિંહણે 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યું (Etv Bharat Gujarat) ઘણા બધા બચ્ચાઓને જન્મ આપ્યો: વનવિભાગ માટે પણ રાજમાતા સિંહણ ખાસ હતી, તેથી તેના પર ખાસ નજર પણ રાખવામાં આવતી હતી. આ ઉપરાંત અન્ય વન્યપ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ અને સંશોધકોને પણ રાજમાતા સિંહણ પ્રત્યે લગાવ બંધાયો હતો. રાજમાતા સિંહણ સાથેની ખાસ વાતોને જણાવતા વન્ય અધિકારી આરાધના સાહુએ જણાવ્યું હતું કે, તેની અમરેલી, લીલીયા, ક્રાકચ, રાજુલા જેવા વિસ્તારમાં વર્ષો સુધી તેની ખુબજ ગતિવિધિ રહી હતી અને તેણે ઘણા બધા બચ્ચાઓને જન્મ આપ્યો હતો અને ઘણું લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું.
આપણા દેશના ઘણા ગામોના પ્રવેશ અને શહેરો ખાસ વિસ્તારોમાં અનેક મહાપુરૂષોની પ્રતિમાઓ જોવા મળે છે, પંરતુ કોઈ પ્રાણીની પ્રતિમા બની હોય તે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ રાજમાતા સિંહણની પ્રતિમા બનાવીને ક્રાંકચ પંથકના લોકોએ તેના પ્રત્યે પ્રેમ અને સિંહો પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરી છે.
- ગીરની સંસ્કૃતિ અને સિંહના રક્ષણ પર આધારિત ફિલ્મ 'સાસણ'ના કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત
- "રાજમાતા, ભગત, ટીલીયો, કાનકટ્ટો" ગીર અભયારણ્યમાં સિંહના નામકરણની અનોખી પરંપરા...