કચ્છ લોકસભા બેઠક કબજે કરવા નિતેશ લાલણે કમરકસી કચ્છ :લોકસભા સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ સમગ્ર કચ્છ જિલ્લાનો પ્રવાસ ખેડીને વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને અપીલ કરી રહ્યા છે. સાથે જ આ વખતે પ્રજા પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
ગામેગામ ચૂંટણી પ્રચાર : કચ્છ-મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ પ્રચાર પ્રસારના ભાગરૂપે કચ્છ તેમજ મોરબીનો પ્રવાસ ખેડી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં તેમણે મોરબીના ગામડા, કચ્છના નખત્રાણા, લખપત, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી તેમજ રાપર તાલુકાના વિવિધ ગામડાઓમાં પ્રચાર પ્રસાર કર્યો છે. સાથે જ મોદી સરકારની ગેરંટી સામે કોંગ્રેસની ન્યાયની ગેરંટીની વાતો સાથે મતદાનની અપીલ કરી રહ્યા છે.
મતદાન કરવા અપીલ :નિતેશ લાલણની સાથે કોંગ્રેસના આગેવાનો, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ગામેગામ પ્રવાસ કરી રહ્યા છે. પ્રચાર પ્રસાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ગ્રામજનો સાથે નાની નાની બેઠકો અને સભાઓ પણ યોજવામાં આવી રહી છે. જેમાં ગામમાં ખૂટતી કડીઓ, સમસ્યાઓ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. સાથે જ કોંગ્રેસની ન્યાયની ગેરંટીઓ જેમાં નારી ન્યાય, યુવા ન્યાય, શ્રમિક ન્યાય, આર્થિક ન્યાય, કિસાન ન્યાય અંગેની વાતો પણ કરવામાં આવી રહી છે.
ભાજપે માત્ર પોતાનો વિકાસ કર્યો : નિતેશ લાલણ
કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે જણાવ્યું હતું કે, કચ્છ અને મોરબી વિસ્તારના ગામડાઓમાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. લોકો હવે ત્રાહીમામ પોકારી રહ્યા છે. લોકોની વાતો સાંભળીએ ત્યારે એવું લાગે કે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારેય પણ લોકોની સમસ્યા સાંભળવામાં રસ લેતા નથી. ભાજપના લોકોને માત્રને માત્ર પોતાનો વિકાસ કરવામાં જ રસ છે. લોકોના નર્મદાનાં નીરના પ્રશ્નનો હજી સુધી ઉકેલ આવ્યો નથી, ખેડૂતો બેહાલ છે, યુવાનો બેરોજગાર છે, મહિલાઓ પરના અત્યાચારનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યા છે, શિક્ષકોની ઘટ્ટ છે જે હજી સુધી પૂર્ણ થઈ નથી.
પ્રજા પરિવર્તનના મૂડમાં છે : નિતેશ લાલણ
નિતેશ લાલણે વધુમાં જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ધારાસભ્યથી લઈને સાંસદ સુધી ભાજપના લોકો છે. છતાં પણ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈએ રસ દાખવ્યો નથી. પ્રજા આ વખતે પરિવર્તનના મૂડમાં છે. પ્રજાએ કોંગ્રેસને 100 ટકા વિશ્વાસ આપ્યો છે કે તેઓ પરિવર્તનમાં ભાગીદાર બનશે. પ્રજા પણ ભાજપની જનવિરોધી નીતિથી કંટાળી ગઈ છે, ત્યારે પ્રજાએ પણ નક્કી કરી લીધું છે અને તે 7 મેની રાહ જોઈ બેઠી છે. કોંગ્રેસને મત આપી પરિવર્તન લાવશે. કચ્છમાંથી પરિવર્તનની લહેર શરૂ થશે અને ઇન્ડિયા ગઠબંધન સરકારમાં રૂપાંતરીત થશે તેવો મને વિશ્વાસ છે.
નિતેશ લાલણનો દાવો :લોકસભા ચૂંટણીના ગામોગામ પ્રવાસ દરમિયાન નિતેશ લાલણનું સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. તેમને સારો પ્રતિસાદ મળી રહ્યા હોવાનું કોંગ્રેસના ઉમેદવાર જણાવી રહ્યા છે. ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ છે જ, સાથે સાથે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સાથે જ આ વખતે કચ્છ જીતશે, ભાજપ હારશે તેવી વાત સાથે કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે.
- કચ્છની જનતા પરિવર્તનની લહેર કચ્છથી શરૂ કરીને INDIA ગઠબંધનની સરકારમાં રૂપાંતર કરશે તેવો પૂરેપૂરો વિશ્વાસ
- મતદારોના મન સુધી પહોંચવાનું માધ્યમ : સોશિયલ મીડિયા, ચૂંટણી પ્રચારમાં કેવી રીતે થાય છે ઉપયોગ જુઓ..