સુરત : સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી મામલે સર્જાયેલા વિવાદ બાદ તેમનું ફોર્મ રદ્દ થયું હતું. તેઓ ત્યારથી જ પરિવાર અને પાર્ટીના સંપર્કમાં નહોતા. પરંતુ અચાનક જ બુધવારના રોજ મીડિયા સાથે વાતચીતમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ગુરુવારે સુરત આવી જશે અને મીડિયા સાથે રૂબરૂ પણ થશે.
નિલેશ કુંભાણી ઘરે પરત આવ્યા :ગતરાત્રે આશરે બે વાગ્યે નિલેશ કુંભાણી પોતાના નિવાસ્થાને પહોંચ્યા પણ હતા. અગાઉ નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે તેઓ મીડિયાથી સંપર્ક કરવા માંગે છે. પરંતુ હવે તેઓ મીડિયાથી વાતચીત કરવા માંગતા નથી. રાત્રે જ્યારે નિલેશ કુંભાણી ઘરે આવ્યા, ત્યારે પોલીસકર્મીઓ પણ તેમની સાથે હતા. પરંતુ તબિયત સારી ન હોવાનું કહી હવે તેઓ ફરીથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
નિલેશ કુંભાણી સામે વિરોધ :ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવાની જાહેરાત કરી, ત્યારથી જ નિલેશ કુંભાણી પરિવાર અને પક્ષના સંપર્કમાં નહોતા. અનેક અટકળો ચાલી રહી હતી કે, તેઓ ગોવા અને મુંબઈમાં છે. આ વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિલેશ કુંભાણી સામે ભારે રોજ પણ જોવા મળ્યો હતો. એટલું જ નહીં આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયા સતત વિરોધ પણ નોંધાવી રહ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો :હાલમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સંઘવી અને કોંગ્રેસના અન્ય પ્રદેશ કક્ષાના નેતાઓએ નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે નિલેશ કુંભાણી અચાનક જ સુરત પરત આવી ગયા હતા. તેઓ પોતાના ઘરે જ છે, પરંતુ હાલ મીડિયા સાથે સંપર્ક કરવા માંગતા નથી. તેમના બિલ્ડીંગ નીચે આશરે પાંચથી પણ વધુ પોલીસકર્મી તૈનાત છે. અગાઉ નિલેશ કુંભાણી ઘરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ફરી કોઈ વિવાદ ન સર્જાય માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
- સાત દિવસથી સંપર્ક વિહોણા કુંભાણીને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, કુંભાણીએ કોંગ્રેસની જ કરી ટીકા
- નિલેશ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા, વિરોધ પ્રદર્શનની ભીતિ વચ્ચે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત