રાજકોટ :ઉપલેટા અને ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી જ જાણે ઉપલેટા અને ધોરાજીમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યો હતા. અહીંયા રાત્રી દરમિયાન પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી વિઝિબિલિટી પણ ઘટી ચૂકી હોવાનું સામે આવ્યું છે.
ઉપલેટા-ધોરાજી પંથકમાં વરસાદ :ગત રાત્રી દરમિયાન વરસેલા વરસાદથી ઉપલેટાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે. જેમાં ઉપલેટા શહેરના રાજમાર્ગ, વીજળી રોડ, કટલેરી બજાર, યાદવ રોડ, વિક્રમ ચોક સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. સાથે જ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ વરસાદમાં ઉપલેટાના મોટી પાનેલી, ખારચીયા, કોલકી, ભાયાવદર અને મોજ નદી કાંઠા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે.
રાજકોટ ગ્રામ્યમાં ગાજવીજ સાથે મેઘ મલ્હાર (ETV Bharat Reporter) મોજ નદી બે કાંઠે વહી :આ ધોધમાર વરસાદને લઈને મોજ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં રાત્રીના 09:00 વાગ્યે મોજ ડેમના 20 દરવાજા 05 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આ મોજ ડેમના દરવાજા ખોલાતા રાત્રિના મોજ ડેમમાં 24,460 ક્યુસેક પાણીની આવક અને જાવક હતી. જેથી મોજ નદી બે કાંઠે વહેતી થઈ છે. જે બાદ આવકમાં વધઘટ થતાં પાટિયાની સ્થિતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
વેણુ-2 ડેમ છલકાયો :ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલ વેણુ-2 ડેમમાં પણ ઉપરવાસના પાણીની આવક થતાં જળ સપાટીમાં વધારો થયો હતો. જેથી રાત્રીના 09:00 વાગ્યે વેણુ-2 ડેમના સાત દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેમાં ડેમમાં 27,753 ક્યુસેક પાણીની આવક અને જાવક હતી. જેથી વેણુ નદી પણ બે કાંઠે વહેતી હતી. જે બાદ આવકમાં વધ-ઘટ થતા પાટિયાની સ્થિતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
ધોરાજીમાં સૌથી વધુ વરસાદ :રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 31.16 ઇંચ વરસાદ ધોરાજીમાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો 5.12 ઇંચ વરસાદ જસદણમાં પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં 24 જુલાઈના રોજ સવારે 6:00 વાગ્યા સુધીમાં પડેલા વરસાદ અંગેની આંકડાકીય માહિતી રાજકોટ જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ પાસેથી ETV BHARAT ના પ્રતિનિધિ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી.
સાર્વત્રિક વરસાદના આંકડા :આ આંકડાકીય માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 7.24 ઈંચ, રાજકોટ શહેરમાં 10.08 ઈંચ, લોધિકામાં 17.08 ઈંચ, કોટડા સાંગાણીમાં 10.96 ઈંચ, જસદણમાં 05.12 ઈંચ અને ગોંડલમાં 15.04 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ જામકંડોરણામાં 19.08 ઈંચ, ઉપલેટામાં 28.88 ઈંચ, ધોરાજીમાં 31.16 ઈંચ, જેતપુરમાં 19.48 ઈંચ અને વિંછીયામાં 07.72 ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.
- રાજકોટના ઉપલેટામાં SDRF ટીમ દ્વારા 10 જેટલા લોકોનું રેસ્ક્યું કરાયું
- ભારે વરસાદને પરિણામે મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતાં દરવાજા ખોલાયા