બનાસકાંઠા:વડીલોની કહેવત છે કે, જર જમીન અને જોરુ એ કજીયાના છોરૂ... કંઈક આવો જ બનાવ વાવ તાલુકાના ગોલગામ ગામમાં બન્યો છે. જ્યાં જમીન અને મકાન પડાવી લેવા માટે 2 ભત્રીજાએ પોતાની ફોઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાવ પોલીસ મથકમાં સગી ફોઈ ગોમતીબેન રાજાભાઈ લુહારે પોતાના ભત્રીજાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
સગા ભત્રીજાઓ પર ગંભીર આરોપ: ફરિયાદ મુજબ ગોમતીબેન લુહારની જમીન અને ઘર પડાવી લેવાના ઈરાદે સગા ભાઈ અને ભાઈના 2 દીકરાઓએ તેમના પર હુમલો કર્યો. ફરિયાદ મુજબ રાત્રે ઘરે ગોમતીબેન સૂતા હતા. ત્યારે અચાનક તેમના ભાઈના 2 દીકરા કિરણ લુહાર અને વિક્રમ લુહાર ત્યાં આવ્યા હતા અને મકાન અને જમીન પોતાના પિતાના નામે કરી દેવા માટે કહ્યું હતું. ત્યારે ગોમતીબેને કહ્યું કે, આ મકાન મારા પિતાએ જીવન ગુજારવા માટે મને આપ્યું છે. મારા મર્યા બાદ બંને ભાઈઓ સરખા ભાગે વહેંચણી કરીને લઈ લે. તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પાઈપો વડે પગ ઉપર આડેધડ માર મારવા લાગ્યા હતા. ત્યારે ફરિયાદી મહિલાના ભાઈ જયરામભાઈ રાજાભાઈ લુહારે ગડદા પાટુનો માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું.