મોરબી: રાજકોટ-ભાવનગર રોડ પર આવેલ આર.કે. યુનિવર્સિટી કેન્દ્રના 15 વિદ્યાર્થીઓએ 700થી વધુ અને 251 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે. રાજકોટનાં 7 સેન્ટર ઉપર કુલ 7,153 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. NTA દ્વારા લેવામાં આવેલી NEETની પરીક્ષા કુલ સાત સેન્ટર ઉપર લેવામાં આવી હતી. જેમાં રાજકોટ-ભાવનગર રોડ પર આવેલી આર.કે. યુનિવર્સિટી યુનિટ 1 અને 2, મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી યુનિટ 1 અને 2, યાજ્ઞિક રોડ પર આવેલી રાજકુમાર કોલેજ, ગોંડલ રોડ પર આવેલી PDM કેમ્પસ સર્વોદય સંકુલ તેમજ મુંજકામાં આવેલી ક્રાઈસ્ટ કોલેજ ખાતે કુલ 7,153 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં, સૌથી વધુ વિદ્યાર્થીઓએ આર.કે. યુનિવર્સિટી યુનિટ 1 અને 2માં પરીક્ષા આપી હતી. આ સેન્ટરનું પરિણામ સારું આવ્યું છે. રાજકોટના 7,153 પૈકી કુલ 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 510 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે.
NTA દ્વારા કેન્દ્ર અને શહેર વાઈઝ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેનો અભ્યાસ કરતા સામે આવ્યું છે કે, રાજકોટ-ભાવનગર રોડ પર આવેલી આર.કે. યુનિવર્સિટી યુનિટ 1માં કુલ 1,968 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 12 વિદ્યાર્થીઓએ 700થી વધુ તેમજ 251 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે યુનિટ 2માં કુલ 973 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 3 વિદ્યાર્થીઓએ 700થી વધુ તેમજ 55 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે. મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સીટી યુનિટ 1માં કુલ 1,189 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 2 વિદ્યાર્થીઓએ 700થી વધુ તેમજ 29 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે યુનિટ 2માં કુલ 992 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 60 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે.