ગુજરાત

gujarat

ETV Bharat / state

આબિયાણા ગામે રમાય છે અનોખી પ્રાચીન નવરાત્રિ: અહીં વર્ષોથી ફક્ત પુરુષો જ ગાય છે ગરબા

પાટણના સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે. અહીં પ્રાચીન તેમજ મુખેથી ગવાતા ગરબા માત્ર પુરુષો દ્વારા રમવામાં આવે છે.

સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે રમાતી અનોખી નવરાત્રિ
સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે રમાતી અનોખી નવરાત્રિ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 6:10 PM IST

Updated : Oct 7, 2024, 6:48 PM IST

પાટણ:જિલ્લાના સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રિ મહોત્સવનું આયોજન કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં પ્રાચીન રાસ ગરબા ગવાય છે. અહીં કોઈ પણ પ્રકારના આધુનિક નવા ગરબા ગવાતા નથી. અહીં જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે. વિશેષ અહીં ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રિ દરમિયાન રાસ કે ગરબા રમે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં સ્ત્રીઓ ગરબા રમતી નથી.

પાટણના સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રિ મહોત્સવનું આયોજન (Etv Bharat Gujarat)

અનોખી નવરાત્રિની ઉજવણી:હાલ ગુજરાતભરમાં અને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોની સાથે સાથે મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારમાં પણ જગતજનની જગદંબાના આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિની ઉજવણી ભક્તિ સભર માહોલમાં માઈ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું આબિયાણા ગામ કે જ્યાં અનોખી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.

પ્રાચીન તેમજ મુખેથી ગવાતા ગરબા માત્ર પુરુષો દ્વારા રમવામાં આવે છે (Etv Bharat Gujarat)

લોકો નવરાત્રિ મહોત્સવ જોવા ઉમટી પડે છે: માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રિના નવ દિવસ ગામના વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે. આ ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યા નથી કે ડીજે દ્વારા કોઈ ગીતો, ગરબાનું આયોજન થયું નથી. અહીં માત્રને માત્ર જૂના અને પ્રાચીન ગરબાને મહત્વ આપવામાં આવે છે. સાથે જ ગામનાં વડવાઓ દ્વારા મુખેથી ગરબા ગવાય છે. ગામના સ્થાનિક રહીશો દ્વારા માતાજીની નિત્ય આરતી, પ્રસાદ સાથે ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે. ત્યારે આજુબાજુનાં લોકો પણ અહીં મોટી સંખ્યામાં આ અનોખી નવરાત્રિ મહોત્સવ જોવા ઉમટી પડે છે.

પાટણના સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રિ મહોત્સવનું આયોજન (Etv Bharat Gujarat)

ભક્તિ સંગીતના સુરો વચ્ચે માતાજીના પ્રાચીન ગરબા:વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઝિરવાણી ગરબા પ્રાચીન રાસ ગરબા ગવાય છે અને મુખેથી ગવાતા આ ગરબા અને રાસ જોવા આજે પણ લોકો અહિ મોટી સંખ્યામાં આવે છે. આમ, નિત્ય માતાજીની આરતી ઉતારી પ્રસાદ વિતરણ બાદ ગામના રહીશો ભક્તિ સંગીતના સુરો વચ્ચે માતાજીના પ્રાચીન ગરબા ગાઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

આ ગામમાં અલગ અલગ અનેક સમાજ આવેલા છે અને વસવાટ કરે છે, પરંતુ નવરાત્રિમાં આ તમામ ગ્રામજનો એક સાથે એક જ ચોકમાં માતાજીની માંડવી અને વર્ષો જૂની પરંપરા મુજબ ગરબાનું આયોજન કરે છે.

આબીયાણા ગામમાં નવરાત્રિ પર્વની વિશેષતાઓ:

  • માત્ર પુરુષો જ ગરબા ગાય છે અને રમે છે.
  • ચાચર ચોકમાં ફક્ત પ્રાચીન ગરબા જ ગવાય છે. જે ગામનાં આગેવાનના મુખેથી ગાવામાં આવે છે.
  • ગામમાં અનેક સમાજ આવેલા છે, પરંતુ તમામ સમાજ વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ માત્ર એક જ ચોકમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
  • આ ગામમાં દશેરાનાં દિવસે પુરુષો સ્ત્રીના પહેરવેશમાં માતાજીના ચોકમાં ગરબે રમતા જોવા મળે છે.
  • ગામમાં માતાજીના નવલા નોરતાના દિવસોમાં લોકોના કામ પૂર્ણ થતાં હોવાની લોકોને આસ્થા છે.
  • ગામમાં આઠમનાં દિવસે ભવાઈ પણ કરવામાં આવે છે. જેમાં અનેક પાત્રો ભજવી માતાજીનો મહિમા વર્ણવવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. જામનગરમાં 45 મિનિટ આગના સાથીયામાં યુવકોએ બોલાવી ગરબાની રમઝટ...લોકો થયા મંત્રમુગ્ધ - Navratri 2024
  2. જામનગરમાં આઇ શ્રી સોનલ ધામ ખાતે ચારણ યુવકોનો અદભુત મણીયારો રાસ... - Navratri 2024
Last Updated : Oct 7, 2024, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details