ગાંધીનગર: રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે મધ્યહન ભોજનના કર્મચારીઓના વેતનમાં પણ વધારો કરાશે.
‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત સરકાર દ્વારા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારના બાવન તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અંતર્ગત 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક પણ આપવામાં આવે છે. આમ, આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05 લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
રાજ્યમાં પી.એમ. પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે પીરસવામાં આવશે. આ સુવિધા પૂરી પાડવાના હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂપિયા 493 કરોડ ફાળવવામાં આવશે. ઉપરાંત અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદ વેતન ધારકોને 50 ટકા માનદવેતન વધારા માટે રૂપિયા 124 કરોડ મળીને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” માટે વાર્ષિક રૂપિયા 617 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ફાળવશે.
આ સાથે સાથે પી.એમ. પોષણ યોજનાના માનદ વેતન ધારક સંચાલકને હવે રૂપિયા 4500 નું માસિક વેતન, 26કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂપિયા 3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂપિયા 1500 વેતન આપવામાં આવશે. આ યોજનાનો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ સહ પોષણ, આરોગ્ય અને શારીરિક સૌષ્ઠવના માપદંડો પર મોટી હકારાત્મક અસરો થશે તેવી આશા સેવાઇ રહી છે.
કેટલાક મહત્વના મુદ્દાઓ તરફ એક નજર...
- પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય
- રાજ્યની 32 હજાર ઉપરાંત શાળાઓના અંદાજે 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ
- સપ્તાહ દરમિયાન સુખડી-ચણા ચાટ-મિક્સ કઠોળ-શ્રી અન્ન(મીલેટ)નો અલ્પાહાર અપાશે
- મધ્યાહ્ન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના વેતનમાં 50% નો વધારો કરાશે
આ પણ વાંચો:
- પીએમ પોષણ યોજના "કુપોષણ"નો શિકાર બની, મેનુમાંથી "નાસ્તો" ગાયબ - midday meal scheme
- અમરેલી પંથકના આ ખેડૂતને તકમરીયાની ખેતીમાં મળી તેજી, ઓછા ખર્ચે અધધ ફાયદો