મોરબી :ગુજરાતભરમાં અવારનવાર વકીલો પર સામે પક્ષ અથવા અન્ય કોઈ લોકો દ્વારા હુમલો કર્યાની ઘટના બને છે. ત્યારે મોરબી અને ટંકારા વકીલ મંડળ દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વકીલ એસોસિએશન માંગ છે કે, તાકીદે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે.
વકીલોએ કરી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માંગ (ETV Bharat Reporter) એડવોકેટ પ્રોટેક્શન એક્ટ :મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ અગેચણીયાના માર્ગદર્શન હેઠળ વકીલ મંડળે આજે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, વકીલો પર હુમલા અને હિંસક પ્રવૃતિઓમાં વધારો થયો છે. ત્યારે રાજ્યમાં મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની જરૂરત છે. હિંસા અને હુમલામાં અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે, જેથી ન્યાય સેવામાં અટકાવ થઈ છે.
વકીલો પર હુમલાના બનાવ :નોંધનીય છે કે જામનગર જિલ્લામાં દર વર્ષે 1 વકીલની હત્યા થાય છે. અમરેલીમાં વકીલના માતાની હત્યા અને કોર્ટ પરિસરમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવી રહી છે. ભાવનગર, કચ્છ જિલ્લામાં વકીલ પર ખોટી FIR થયાના બનાવો સામે આવ્યા છે. ઉપરાંત વકીલોને ધમકી મળવી અને દુર્વ્યવહાર થવાના બનાવો બનતા રહે છે. જેથી વકીલોને સલામતી અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું જરૂરી છે.
વકીલ મંડળની માંગ :વકીલ મંડળે જણાવ્યું કે, વકીલોને તેમની કામગીરી દરમિયાન કોઇપણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી, જવાબદારી અને કાયદાકીય કાર્યવાહી જેમાં વકીલ અને તેના પરિવાર પર હુમલો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે. મોરબી બાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી હતી કે, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક પસાર કરવામાં આવે. આ અંગે જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીએ રજૂઆત યોગ્ય સ્થળે પહોચાડવા માટે ખાતરી આપી હતી.
- Rajkot Crime : ઘરેલુ હિંસાના કેસ મામલે રાજકોટ કોર્ટમાં વકીલ ઉપર કરાયો હુમલો
- Rajkot Crime : રાજકોટમાં જમીન પર દબાણ મામલે સરકારી વકીલ પર હુમલો