મોરબી: કંડલા બંદરથી રાજસ્થાન જતા ટ્રકમાંથી પેટકોક અને કોલસો ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 12 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે 1584 ટન પેટકોક, 500 ટન કોલસા ઉપરાંત છ વાહનો અને 17 મોબાઈલ સહીત 3.57 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે અન્ય આઠ ઇસમોના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી છે.
1584 ટન પેટકોક અને 500 ટન કોલસો, છ વાહનો જપ્ત
મોરબીની સ્થાનિક પોલીસ ઊંઘતી રાખીને વધુ એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને મોટા કોલસા ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક પેટ્રોલ પંપ ખાતે રેડ કરી હતી. જ્યાં કંડલા બંદરથી ટ્રકમાં રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટકોક અને કોલસાની ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી 1584 ટન પેટકોક જેની કિંમત રૂ.2 કરોડથી વધુ થાય છે, કોલસો 500 ટન કિંમત રૂ.4.80 લાખ તથા રોકડ રૂ.2.41 લાખ અને રૂ 3.50 લાખની કિંમતના 17 મોબાઈલ, બે ટ્રેલર, 2 લોડર મશીન, 4 કાર સહિત કુલ રૂ.3.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.