મોરબી:હળવદના ટીકર ગામની સીમના રણ વિસ્તારમાં અગરિયાઓ મોટા પાયે મીઠાના એકમોમાં મજુરી કરી ગુજરાન ચલાવતા હોય છે. મીઠાના અગરિયાઓ અનેક મુશ્કેલીઓ વેઠીને કાળી મજુરી કરતા હોય છે. જોકે શ્રમિક પરિવારો અનેક વખત દુર્ઘટનાનો ભોગ પણ બનતા હોય છે. આવી જ એક દુર્ઘટના ટીકર ગામની સીમના રણ વિસ્તારમાં સર્જાઈ હતી. આ ઘટનામાં ગેસ ગળતર થવાના કારણે ત્રણ શ્રમિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં એકનું મોત થયું હતું.
બે લોકો સારવાર હેઠળ:હળવદ પોલીસ મથકના ASI જી.પી. ટાપરીયા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ટીકર ગામની સીમના રણ વિસ્તારમાં મજુરી કરતા 30 વર્ષીય ટીના રાણેવાડીયા, 25 વર્ષીય ભરત રાણેવાડિયા અને 25 વર્ષીય સાગર રાણેવાડિયા, એમ ત્રણ શ્રમિકો મીઠાના અગરમાં ખોદકામ કરતા હતા. આ દરમિયાન જમીનમાંથી ગેસ ઉત્પન્ન થતા તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી.