કચ્છ: જિલ્લામાં ભુજની પાલારા ખાસ જેલમાં મધરાત્રે સિક્રેટ કમ્બાઈન્ડ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહિલા બેરેકમાંથી મોબાઈલ, રાઉટર, ચાર્જર, USB કેબલ મળતાં ચકચાર મચી જવા પામી છે. બેરેકમાં અનઅધિકૃત રીતે ઉપયોગ થતાં મોબાઇલ ફોન, રાઉટર, USB કેબલ તથા ચાર્જર પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડયા છે અને આરોપી મનીષા ગોસ્વામી સામે BNSની કલમ 223 અને જેલ અધિનિયમ મુજબ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
મહિલા આરોપીના બેરેકમાંથી ફોન મળી આવ્યો: ગત રાત્રે 11:15 વાગ્યાના આસપાસ વાગ્યે જેલની સ્થાનિક ઝડતી સક્વૉડ ઉપરાંત LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વૉડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડના PI, PSI સહિતના કાફલાએ સર્વત્ર સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેલની પુરુષ, મહિલા બેરેક અને હાઈ સિક્યોરીટી ઝોનમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન મહિલા આરોપી મનીષા ગોસ્વામીના બેરેકમાંથી એન્ડ્રોઈડ ફોન, રાઉટર, ચાર્જર અને ડેટા કેબલ મળી આવ્યાં હતાં.