કિશોર કાનાણીએ ખુલાસો કરી અટકળોને મારી બ્રેક સુરત :પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેના કારણે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાંથી એક સુરત વરાછા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણી પણ છે. જોકે અત્યાર સુધી કોઈએ સામે આવીને નારાજગી વ્યક્ત કરી નથી, પરંતુ કિશોર કાનાણી પોતાની નારાજગી વ્યક્ત કરતા કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.
ભાજપ ધારાસભ્યની ગેરહાજરી :અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા તે કાર્યક્રમ વરાછા વિધાનસભા વિસ્તારમાં યોજાયો હતો. પરંતુ આ જ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કિશોર કાનાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહોતા. વિધાનસભા ચૂંટણીમાં કિશોર કાનાણી સામે આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા ઉમેદવાર હતા. ત્યારે બંને વચ્ચે શાબ્દિક જંગ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. વરાછામાં આયોજિત કાર્યક્રમમાં કિશોર કાનાણીની ગેરહાજરીથી અનેક અટકળો શરૂ થઈ હતી.
કિશોર કાનાણીએ ચર્ચાને મારી બ્રેક :લોકમુખે થતી ચર્ચાને હવે બ્રેક લાગ્યો છે. સમગ્ર મામલે ખુલાસો કરતા કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં હાજર ન રહેવું એ મારો અંગત નિર્ણય છે. આ કોઈ નારાજગીનો વિષય નથી, પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે. મારા સિદ્ધાંતોના કારણે હું હાજર રહ્યો નહોતો. રાજનીતિમાં મારા અમુક સિદ્ધાંતો છે. હું સિદ્ધાંતો સાથે જ રાજકારણ કરું છું અને સિદ્ધાંતને વળગી રહીશ.
સિદ્ધાંત સાથે રાજનીતિ કરીશ :સિદ્ધાંત છોડીને આપણે વિરોધ પક્ષ અથવા તેમના નેતા વિશે જે કંઈ પણ બોલીએ છીએ તે લોકો યાદ રાખતા હોય છે. લોકોની અંદર રાજકીય રીતે છાપ હોય છે, આજે હું બીજી પાર્ટીને અપશબ્દો કહેતો હોઉં, ભારતીય જનતા પાર્ટીથી નારાજ થાઉં અને ફરી આજ પાર્ટીમાં જોડાવું. આ વાત જે લોકોના મગજમાં છે તેને ધ્યાનમાં રાખી હું કોઈ કાર્યક્રમમાં નહીં જોડાવ.
જનતાનો વિશ્વાસ નહીં તોડું : મારા મત વિસ્તાર વરાછાના લોકોમાં મારી ઈજ્જત છે, મારી એક ઇમેજ છે અને હું તેમાંથી હટીશ નહીં. મારા સિદ્ધાંતને છોડી નહીં દઉં, મારી ઇમેજ ખરાબ થશે. ગત ચૂંટણીમાં હું કઈ રીતે જીત્યો છું, લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો હતો. હું આ વિશ્વાસ તોડી શકું નહીં. આ માટે હું હાજર રહ્યો નહોતો, એ કોઈ નારાજગીનો વિષય નથી. હું મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતના કારણે આ કાર્યક્રમમાં હાજર રહ્યો નહોતો.
મને કોઈ હરીફની ચિંતા નથી, ભાજપમાં છું અને સાથે જ રહીશ : કિશોર કાનાણી
આવનાર વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ કથીરિયા તેમના હરીફ બનશે કે કેમ ? આ પ્રશ્નને લઈ કિશોર કાનાણીએ જણાવ્યું કે, મને કોઈ હરીફની ચિંતા નથી. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. હું છીછરી વાતો કરીને કોઈ લાભ માટે કામ કરતો નથી. હું ચોક્કસ માનું છું કે મારો હરીફ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોવો જોઈએ. મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મારા હરીફ હોય તો મને ગમશે. મારી જગ્યાએ ભાજપના કોઈ કાર્યકર્તા ધારાસભ્ય બને તો મને ગમશે. વચ્ચે જોડાઈ જવાનો મતલબ એ નથી કે તે મારા હરીફ થઈ જશે. હું કોઈ પદ-હોદ્દા માટે કોઈ રાજનીતિ નથી કરતો, ભારતીય જનતા પાર્ટીમાં છું અને સાથે જ રહીશ.
- ભાજપ સામે થયેલા અલ્પેશ-ધાર્મિક હવે ભાજપ સાથે, સીઆર પાટીલે ભગવો ખેસ પહેરાવ્યો
- સુરતના પાટીદાર અનામત આંદોલનના નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે