નર્મદા: આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ચૈતર વસાવાને આખરે 40 દિવસ બાદ જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે વન્યકર્મીઓને ધમકી આપવાના મામલે ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે.
AAP MLA ચૈતર વસાવાને 40 દિવસ બાદ મળ્યા જામીન, ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. નર્મદા જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજુર કર્યા છે.
Published : Jan 22, 2024, 9:21 PM IST
ગુજરાત AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. ઇટાલિયાએ કહ્યું કે, કોર્ટે તેમને ભરૂચ અને નર્મદા જિલ્લામાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ભાજપનો ડર છે. ઇટાલિયાએ કહ્યું કે ભાજપે આ જાણી જોઈને કર્યું છે, જ્યારે તેઓ પહેલાથી જ જાણે છે કે અરવિંદ કેજરીવાલે ભરૂચમાંથી ચૈતર વસાવાની ઉમેદવારી જાહેરમાં કરી છે.
આ કારણોસર નોંધાઇ ફરિયાદ :થોડા દિવસ અગાઉ દેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નિવેદન કર્યા હતા. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.