મહેસાણા:કડીના જાસલપુર ગામ પાસેની ખાનગી કંપનીમાં દીવાલના નિર્માણ કાર્ય વખતે ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં 9 શ્રમિકોના મોત થયા છે. કાળજુ કંપાવનારી આ ઘટનાને લઈને મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી સૌ કોઈએ શોકની લાગણી વ્યક્ત કરી છે. જોકે ચમત્કારિક રીતે દુર્ઘટનામાંથી એક 18 વર્ષના યુવકનો બચાવ થયો છે. પરંતુ અન્ય 9 લોકોને સમયસર બહાર ન કાઢી શકાતા તેમના મોત થઈ ગયા હતા.
'15 ફૂટ ખાડામાં દટાયેલા હતા 9 લોકો'
સમગ્ર દુર્ઘટનાને લઈને મહેસાણા ફાયર વિભાગના ફાયરમેન ચિરાગ પ્રજાપતિએ કહ્યું કે, કોલ 12.30 વાગ્યે મળ્યો હતો. મહેસાણાથી આવતા 45 મિનિટ જેવું થયું હતું. અહીં લગભગ 3 કલાકથી મહેનત કરી રહ્યા છીએ અને 15 ફૂટ જેવા ખાડામાં બધા દટાઈ ગયા હતા. જાણવા મળ્યું હતું કે 10 માણસો છે તેમાંથી 1 માણસ બચી ગયો છે અને બાકી 9 માણસો 15 ફૂટના ખાડામાં દટાઈ ગયા હતા. 3 કલાકની જહેમતે બધાને બહાર કાઢીને અત્યારે સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા છે.
મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી
દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવામાં આવશે.