ગાંધીનગર: ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દિપક ધીરજલાલ ઠક્કરની દુબઈમાં ધરપકડ કરી છે. મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દિપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું આખું રેકેટ ચલાવતો હતો. દિપક અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં વોન્ટેડ હતો. CBI ની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે ધરપકડ કરી છે. તો બીજી તરફ દિપક ઠક્કર નો કબજો લેવા ગુજરાત પોલીસ પણ દુબઇ પહોંચી હતી. ત્યારે ગુજરાતનો વધુ એક બુકી પણ દુબઈમાં ઝડપાઈ ગયો છે અને હવે તેના 2300 કરોડના હવાલા ની પોલીસ તપાસ શરૂ કરવામાં આવશે. જોકે આ કેસમાં કુલ 186 આરોપીઓ પૈકી અત્યાર સુધી પોલીસે 36 આરોપીઓની ધરપકડ કરી છે.
ગુજરાત પોલીસ દ્વારા વોન્ટેડ ગુનેગારની ધરપકડ: ગુજરાત પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં આ વોન્ટેડ ગુનેગારને દુબઈમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. સટ્ટાનું રેકેટ ચલાવવા બદલ ગુજરાત પોલીસે દુબઈમાં વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી છે. પકડાયેલા આ આરોપીનું નામ દીપકકુમાર ધીરજલાલ ઠક્કર છે. આ વ્યક્તિ પર ગેરકાયદે જુગાર રેકેટ ચલાવવાનો આરોપ છે. CBI અનુસાર, આરોપી દીપક ઠક્કર પર 2273 કરોડ રૂપિયાના ગેરકાયદે ગેમ્બલિંગ રેકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. 25 માર્ચ 2023ના રોજ અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં દીપક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આરોપીની ગુજરાત હાઇકોર્ટમાં અપીલ:આરોપી દીપક ઠક્કર તેની સામે નોંધાયેલી FIR અને ધરપકડ વોરંટ સામે અપીલ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હાઈકોર્ટે પોલીસને સવાલ પૂછ્યો હતો કે 2273 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાબાજીના કેસમાં UAE સાથેની સંધિમાં નિર્ધારિત પ્રત્યાર્પણની પ્રક્રિયા રાજ્ય પોલીસે શા માટે અનુસરી નથી. UAE સત્તાવાળાઓએ તેને માર્ચ મહિનાથી જ કસ્ટડીમાં રાખ્યો હતો. ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયા પછી તપાસકર્તાઓએ તેના મૂળ દુબઈ સુધી શોધી કાઢ્યા. ઠક્કર રેકેટ ચલાવવાના આરોપીઓમાંનો એક હતો.