ગુજરાત

gujarat

ETV Bharat / state

જય જગન્નાથના નાદથી ગુંજશે ઈડર... 26 મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ - Jagannath Rath Yatra 2024

આગામી સાતમી જુલાઈએ સમગ્ર દેશ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠશે. સાબરકાંઠાના ઇડરમાં પણ ભગવાન જગન્નાથજી સહિત બહેન સુભદ્રા અને બલરામ નગરચર્યાએ નીકળશે. જે માટે ઈડર નગર ઉત્સવ સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

સાબરકાંઠા ઇડર જગન્નાથ રથયાત્રા
સાબરકાંઠા ઇડર જગન્નાથ રથયાત્રા (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 5:14 PM IST

સાબરકાંઠા :ઇડર શહેરમાં છેલ્લા 25 વર્ષની નિરંતર ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. જેમાં ઇડરના મોટા રામદ્વારા મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા તેમજ ભગવાન બલરામ નગરચર્યાએ નીકળે છે. આ વર્ષની 26 મી રથયાત્રામાં ગજરાજથી લઈ વિવિધ સંઘ, રથ, ડીજે, ભજન મંડળી, નાસિક ઢોલ અને અખાડાના કરતબો આકર્ષણનું કેન્દ્ર રહેશે. હજારો ભક્તો અને શ્રદ્ધાળુ રથયાત્રામાં જોડાશે.

જય જગન્નાથના નાદથી ગુંજશે ઈડર... (ETV Bharat Reporter)

ઈડરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા :ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત ભગવાન જગન્નાથની 26 મી રથયાત્રા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરની આ રથયાત્રાની ભવ્યતા આ વર્ષે પણ યથાવત રહે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. સાથોસાથ ઇડર શહેરમાં કોઈપણ ભક્ત ભગવાન જગન્નાથજીના દર્શનથી વિમુક્ત ન રહે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

નગરચર્યાએ નીકળશે ભગવાન :સમગ્ર ભારત વર્ષમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં સવાર નગરચર્યાએ નીકળતા હોય છે. ભગવાન જગન્નાથની 26 મી રથયાત્રામાં શહેરના ભક્તોને જોડાવવા ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં ભક્તો મંદિરે ભગવાનના દર્શનાર્થે જતા હોય છે. જોકે વર્ષમાં એકવાર ભગવાન ભક્તોના ઘરઆંગણે વાજતે ગાજતે દર્શન આપતા હોય છે. આ ક્ષણનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શહેરના માર્ગો પર ભગવાનના સ્વાગત માટે ઉભા રહે છે.

સુરક્ષા-શાંતિ માટે કટિબદ્ધ પોલીસ વિભાગ :અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. શહેરના વિવિધ માર્ગો પરથી રથયાત્રા પસાર થશે તે રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ રથયાત્રામાં SP, DySP, PI અને PSI સહિત 400 કર્મીનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. રથયાત્રા રૂટ પર CCTV અને ડ્રોન કેમેરા, 150 કરતાં વધુ બોડી વોર્ન કેમેરા તેમજ બુલેટપ્રૂફ વાહનો દ્વારા ચુસ્ત સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. ઉપરાંત શાંતિ સમિતિ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજન :રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં CCTV કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. ઇડર ખાતે 25મી રજત જયંતિ પૂર્ણ કરી 26માં વર્ષમાં ભગવાનની રથયાત્રા પ્રવેશવા જઈ રહી છે, તેની ખુશી પણ ભક્તોમાં જોવા મળી રહી છે. નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજન રૂપે રથયાત્રામાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

  1. નિવૃત IPS લિખિત "અમદાવાદ રથયાત્રા - અ જર્ની ઓફ મિરેકલ" પુસ્તકનું વિમોચન
  2. આજે સરસપુર રણછોડજી મંદિરે ભગવાનનું મામેરું ભરાયું - Rathyatara 2024

ABOUT THE AUTHOR

...view details