નવસારીઃ બીલીમોરામાં આંતલિયા ઉડાચને જોડતા પુલનું સમારકામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. ગોકળગતિએ ચાલતા આ સમારકામથી ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉડાચ અને તેની આસપાસના જેસિયા, વાઘલધરા, બળવાડા ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામ્યજનોએ "પુલ નહી તો મત નહી" સૂત્ર સાથેના બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
પુલના અભાવે 20 કિમી લાંબો આંટોઃ આંતલિયા અને ઉડાચ વચ્ચેથી પસાર થતી કાવેરી નદી ઉપર વર્ષોની માંગ બાદ અંદાજે 8 કરોડના ખર્ચે પુલ બન્યો હતો. 2 વર્ષ અગાઉ કાવેરી નદીમાં આવેલા ઘોડાપુરમાં પુલના દક્ષિણ તરફના બે પીલર બેસી જતા પુલને તાત્કાલિક વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ પણ પુલનું સમારકામ પૂર્ણ ન થતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. ઉડાચ, જેસીયા, વાઘલધરા, વલવાડા સહિતના ગામોના વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરોને ચોમાસામાં 20 કિમી લાંબો આંટો ફરવો પડે છે. આજે રોષે ભરાયેલ ગ્રામજનોએ પુલના ઉત્તરી છેડે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. "પુલ નહી તો મત નહી" સૂત્ર સાથેના બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.