કચ્છ લોકસભા બેઠક માટે વિનોદ ચાવડા સિવાય ભાજપ પાસે અન્ય કોઈ વિકલ્પ ખરો? કચ્છઃ ગુજરાતના સરદીય જિલ્લા કચ્છનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિલોમીટર જેટલું છે અને હાલમાં જિલ્લાની અંદાજિત વસ્તી 26,11,305 જેટલી છે. તો વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચુંટણીમાં કચ્છના 16,45,364 જેટલા મતદારો મતદાન કરશે. કચ્છની લોકસભા બેઠક અનામત બેઠક છે. છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. શું તેમને આ વર્ષે ભાજપ ફરી રીપીટ કરશે કે કોઈ નવો ચહેરાને તક આપશે?
ભાજપે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરીઃ રાજકીય પક્ષો દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ભાજપ દ્વારા પણ સેન્સની પ્રકિયા પૂર્ણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભાજપના લોકસભા બેઠક માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવશે. ત્યારે કચ્છની અનુસૂચિત જાતિની અનામત બેઠક માટે ભાજપ દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તે ચર્ચાએ વેગ પકડ્યો છે. જો કે સેન્સ પ્રકિયામાં 18 જેટલા દાવેદારોએ પોતાની ઉમેદવાર બનવા માટેની દાવેદારી નોંધાવી હતી. આ અનામત બેઠક પર છેલ્લાં 2 ટર્મથી વિજેતા બનનારા વિનોદ ચાવડાને 10 વર્ષનો અનુભવ અને તેમના કાર્યો થકી રીપીટ કરવામાં આવશે કે પછી કોઈ અન્ય ચહેરાને તક આપવામાં આવશે તે આવનારો સમય જ કહેશે.
કચ્છ લોકસભા બેઠક 1996થી ભાજપ પાસેઃ કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2009ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડવામાં આવી હતી. જેમાં નવા સીમાંકનમાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2009માં ભાજપનાં ઉમેદવાર પૂનમબેન જાટ અહીંથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2014 અને 2019માં એમ 2 ટર્મ ભાજપના વિનોદ ચાવડા કચ્છની લોકસભા બેઠક જીત્યા હતા.આમ તો કચ્છ લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે અને 1996થી 2019 સુધી ભાજપ સળંગ આ બેઠક જીતતું આવ્યું છે.
બેઠક અનામત થઈ ત્યારથી ભાજપ વિજેતાઃ કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2009માં પૂનમબેન જાટ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર વાલજીભાઈ દનિચા માત્ર 71,343 જેટલા મતથી જ હાર્યા હતા. તો વર્ષ 2014માં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે 2,54,482 મતથી હરી ગયા હતા. વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3,05,513 મતથી હારી ગયા હતા.
વિનોદ ચાવડાને ફરી એકવાર ટિકિટ મળી શકે છેઃ Etv ભારત દ્વારા ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોના આગામી લોકસભા ચૂંટણીમાં કચ્છની બેઠક માટે ભાજપ તરફથી ઉમેદવાર માટેના અભિપ્રાયો લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે 10 વર્ષના અનુભવ અને દિલ્હી ખાતેના અન્ય મંત્રીઓ સાથેના પરિચયો અને સબંધ તથા સૌથી મોટા જિલ્લા અને લોકસભાના બેઠક પરના કાર્યો અને સંચાલનને જોઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા વિનોદ ચાવડાને ફરી ત્રીજી વાર ટિકિટ આપીને રીપીટ કરવામાં આવે.
5 લાખ મતથી જીતશે ભાજપઃ સ્થાનિક ભાજપના કાર્યકર્તા ધીરેન લાલને માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છની લોકસભા બેઠક પર ભાજપ તરફથી ઉમેદવાર વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. પ્રથમ વખત જ્યારે વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી ત્યારે તેમને પણ જાણ નહીં હોય કે તેમને ટિકિટ ફાળવવામાં આવશે.ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કહી ના શકાય કે કોને ટીકીટ આપવામાં આવશે પરંતુ કચ્છ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતથી આ બેઠક જીતશે. કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે ત્યારે તમામ કાર્યકર્તાઓના પ્રયાસ ઉમેદવારને વિજેતા બનાવવા માટેના કરવામાં આવશે.
વર્તમાન સાંસદ કચ્છની સમસ્યાઓથી વાકેફઃ વિનોદ ચાવડા એક યુવા સાંસદ છે અને છેલ્લાં 10 વર્ષથી કચ્છ અને મોરબીનાં સાંસદ તરીકે સુકાન સંભાળ્યું છે ત્યારે તેમને લોકસભા બેઠકના વિસ્તાર, કાર્યો, જરૂરિયાતોની, સમસ્યાઓની ખબર છે અને તેઓએ ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ પણ લાવ્યા છે. કચ્છને પાસપોર્ટ ઓફિસ અપાવવા માટે પણ તેમને પ્રયત્નો કર્યા છે, રેલવે તેમજ ફ્લાઈટ અંગે પણ તેમને હંમેશા રજૂઆતો કરી છે અને કચ્છને ટ્રેનો પણ મળી છે. કચ્છને આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ મળે તેવા પ્રયત્નો પણ હાલમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે પક્ષના કાર્યકર્તાઓની પણ ઈચ્છા છે કે તેઓ રીપીટ થાય પણ જો સંજોગોવશાત તેમને ટિકિટ ફાળવવામાં નથી આવતી તો પણ ભાજપ આ બેઠક જરૂરથી જીતશે.
નવા ઉમેદવારને કચ્છની સ્થતિ સમજવામાં લાગશે સમયઃ જો નવા ચહેરાને તક આપવામાં આવે તો ચોક્કસથી વિકાસની ગતિમાં ફરક પડવાનો છે, કારણ કે કચ્છ અને મોરબી વિસ્તારની લોકસભા ભૌગોલિક દ્વષ્ટિએ ખૂબ વિશાળ છે તો જો પાર્ટી કોઈ નવો ઉમેદવાર આપે તો આ બધી ભૌગોલિક સ્થિતિ અને સમસ્યાઓ સમજવામાં પણ સમય લાગશે. વર્તમાન સાંસદ વિનોદ ચાવડા તમામ બાબતોથી અવગત છે માટે તેઓને રીપીટ કરવામાં આવશે તો તેમની જીત નિશ્ચિત છે.
ભાજપ પરિવર્તન લાવી શકે છેઃ સ્થાનિક વેપારી અનિલ ડાભીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિનોદ ચાવડાની વાત કરવામાં આવે તો તે 2 ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને લોકોમાં તેમની ચાહના પણ છે પરંતુ કચ્છની તાસિરની વાત કરવામાં આવે તો પરિવર્તન આવી શકે છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. લોકસભા બેઠકના દાવેદાર તરીકે બીજા અન્ય ઉમેદવારો પણ છે જે આ રેસમાં છે. તેમજ ભારતીય જનતા પાર્ટી હંમેશા નવું કરવા માટે ટેવાયેલી છે. ત્યારે આ વર્ષે વિનોદ ચાવડા કરતા અન્ય કોઈ નવા ચેહરા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.
વિનોદ ચાવડાની સારી લોકચાહનાઃ કચ્છ લોકસભા બેઠક માટે અન્ય ઘણા દાવેદારો છે જેમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક માટે અનુચિત જાતિના જ દાવેદારો કે જેમાં પૂર્વ સાંસદ સભ્ય રહી ચૂકેલા પૂનમબેન જાટ, સામાજિક કાર્યકર્તા અને જિલ્લા પંચાયતો અનુભવ ધરાવતા નરેશ મહેશ્વરી, ભુજ નગર પાલિકાના પૂર્વ નગર પતિ અશોક હાથી જેવા અનેક ચહેરાઓ છે કે જેના પર ભારતીય જનતા પાર્ટી કળશ ઢોળી શકે છે. અત્યારે જે માહોલ છે તે પ્રમાણે વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવશે. આમ તો નરેન્દ્ર મોદીની ગૂડ બૂકમાં જે હોય તેમને ત્રીજી વાર પણ ટિકિટ મળે છે. અગાઉ પણ એવું બન્યું છે કે પુષ્પદાન ગઢવીને 3 વખત સાંસદ બનવાની તક મળી હતી. તેથી કહી શકાય કે વિનોદ ચાવડા પણ રીપીટ થઈ શકે છે. વિનોદ ચાવડાની ખૂબ લોકચાહના છે અને કાર્યો પણ તેઓ કરી રહ્યા છે તો સારા વિઝન સાથે તેઓ કામ કરી રહ્યા છે. જો નવો ચહેરો આવશે તો કચ્છ માટે નવિનીકરણ આવશે અને નવા વિચારો સંસદમાં જશે.
પ્રજાની વચ્ચે રહીને કામ કરનારા સાંસદઃ સામાજિક કાર્યકર્તા મિતેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, હું કોઈ રાજકીય માણસ નથી પરંતુ મેડિકલ અને શિક્ષણ ક્ષેત્રે છેલ્લાં 17 વર્ષથી સામાજિક કાર્યકર્તા તરીકે સેવા કરું છું ત્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે રાજકીય પક્ષોનો લોકસભા બેઠક માટે ચહેરો કોણ ? મારા જાત અનુભવ અને કચ્છના હિતને માટે વિનોદ ચાવડા સિવાય અન્ય કોઈ ચહેરો દેખાતો નથી. 10 વર્ષનો વિનોદ ચાવડાને સાંસદ તરીકેનો અનુભવ છે ત્યારે વિનોદ ચવડા દયાળુ સ્વભાવના છે તેમજ સતત પ્રજાનું વચ્ચે રહીને કામ કરનારા છે.
મિનિસ્ટર પદઃ આજે કોઈ પણ ક્ષેત્ર હોય રાજકારણ હોય કે ગમે તે હોય જો અનુભવ હોય તો કામ સરળ બને છે. દિલ્હી ખાતે વિનોદ ચાવડાનું 10 વર્ષનું સેવાનું ભાથું છે, અંગત સબંધો છે. ત્યાંના મંત્રીઓ હોય કે સાંસદ સભ્ય હોય ત્યારે તેમના સાથે સંપર્કમાં રહીને તેઓ સતત કામ કરતા આવ્યા છે ત્યારે કચ્છના સર્વાંગી વિકાસ માટે વિનોદ ચાવડા સિવાય કોઈ મારા 10 વર્ષના અનુભવને ધ્યાનમાં રાખીને કોઈ ચહેરો દેખાતો નથી. જો નવો સાંસદ સભ્ય આવશે તો તે પણ નિઃસંદેહ પોતાની પ્રમાણિકતાથી તે કાર્ય કરશે પરંતુ તેને માહોલ ઊભો કરતા તેમજ અનુભવ મેળવવામાં જ 2 થી 2.5 વર્ષનો સમયગાળો નીકળી જશે. જ્યારે વિનોદ ચાવડા સતત પ્રજાની વચ્ચે થાય છે અને લોક વાયદાઓ પણ તેમણે પૂર્ણ કર્યા છે. આ ઉપરાંત જો વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવશે તો તેમના 10 વર્ષના અનુભવના કારણે તેમને એક મિનિસ્ટરનું પદ પણ મળી શકે છે અને જો તેવું થશે તો કચ્છના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના હશે.
- Gujarat BJP: લોકસભા ચૂંટણી માટે ભાજપે પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિની સંયોજક અને સબસંયોજકના નામની કરી જાહેરાત