સુરત: સુરત જિલ્લામાં ફરી રાતે ઈલેક્ટ્રિક વાયર ચોરી કરતી ગેંગનો તરખાટ સામે આવ્યો છે. એક મહિનામાં ત્રીજી વખત વીજતારોની ચોરીથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
છેલ્લા કેટલાક સમયથી ફરી એકવાર સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, પલસાણા, માંડવી તાલુકામાં સરકારે ખેતીવાડી માટે ખેડૂતોને ફાળવેલી એગ્રીકલ્ચર વીજલાઈન પરથી રાત્રી દરમિયાન મોટા પાયે વીજવાયરો ચોરી જનારી ગેંગ સક્રિય બની છે. જેના કારણે વીજ કંપનીને લાખોના નુકસાન સાથે ખેડૂતોને વીજ પાવર મળતો બંધ થતા તેઓ ચિંતામાં મૂકાયા છે.
ખેતરમાંથી વીજ પોલ પરથી વીજ વાયરની ચોરી
કામરેજના સેવની ગામે રાત્રી દરમિયાન સેવની ગામની ખેતરાડીમાંથી પસાર થતી એચ.ટી. વીજલાઈનના 22 ગાળા થાંભલાઓ પરથી અને એલ.ટી. વીજલાઈનના 17 ગાળા થાંભલાઓ પરથી વીજ વાયરોની ચોરી થઈ છે. રાત્રીના સમયે ફરી એકવાર વાયર ચોરતી ગેંગ સક્રિય બની જતા આ વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ શિયાળુ શાકભાજી પાકો તેમજ શેરડી પાકને ઈલેક્ટ્રિક મોટર બંધ થવાથી સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક મહિનામાં સેવણી ગામની ખેતરાડીઓમાંથી લગાતાર ત્રણ વખત વીજતારો ચોરાઈ જવાથી ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે.
![એગ્રીકલ્ચર વીજલાઈન પરથી વાયરની ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2025/gj-surat-rural05-chori-gj10065_28012025204822_2801f_1738077502_413.jpg)
પાકને સિંચાઈ માટે લાઈટ ન મળતા ખેડૂતો પરેશાન
ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામાં સેવણી, દેલાડ, ઓરણા, ડુંગર ચીખલી અને નગોદ ગામની ખેતરાડીમાંથી અનેક વખત વીજ લાઈનો પરથી વીજતારોથી ચોરી થઈ છે. સેવણી સહિતના આ ગામડાઓની ખેતરાડીમાંથી વારંવાર વીજ તારોની ચોરી થવાથી દ.ગુજરાત વીજ કંપનીની તંત્ર તો પરેશાન થઈ રહ્યું છે સાથે સાથે ખેડૂતોને વીજળી ન મળવાથી ખેડૂત આલમ પણ ભારે પરેશાન થઈ રહી છે.
![એગ્રીકલ્ચર વીજલાઈન પરથી વાયરની ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2025/gj-surat-rural05-chori-gj10065_28012025204822_2801f_1738077502_13.jpg)
વીજ વિભાગને લાખોનું નુકસાન
ભૂતકાળમાં પણ રાત્રિના સમયે કામરેજ તાલુકાના સેવણી, સેગવા, પરબ, મોરથાણા, શામપુરા, આસ્તા, નગોડ, સીમાડી, દેલાડ, મરવણ, કામરેજ અને જોખા ગામની ખેતરાડીઓમાંથી એગ્રીકલ્ચરના વીજવાયરો ચોરી જવાતા સેંકોડો હેક્ટર જમીનમાં સિંચાઇનો પ્રશ્ન ઊભો થયો હતો. આ અંગે વીજ વિભાગના અધિકારી મુકેશ રાવલે જણાવ્યું હતું કે, વીજ પોલ પરથી વાયર ચોરી જવાની આ ઘટનાના કારણે વિભાગને અત્યાર સુધીમાં અંદાજે 12 લાખ રૂપિયા જેવું નુકસાન થવા પામ્યુ છે.
આ પણ વાંચો: