ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુનો ભાવ 200 રૂપિયાની નજીક પહોંચ્યો છે. રિટેઇલ માર્કેટમાં 1 કિલો લીંબુનો ભાવ 150 થી 200 રૂપિયા છે. ચેન્નાઇથી લીંબુ ગાંધીનગર અને અમદાવાદ આવતા હોવાથી સપ્લાય વધ્યો છે. તેથી હાલમાં ગાંધીનગર એપીએમસીમાં લીંબુ પ્રતિ કિલોએ રૂપિયા 100 થી 130 ના ભાવે વેચાઈ રહ્યા છે. આગામી દિવસોમાં લીંબુના ભાવ સ્થિર થાય તેવી સંભાવના હોલસેલ વેપારીઓએ વ્યક્ત કરી છે.
લીંબુએ ગૃહિણીના દાંત ખાટા કર્યા, એક કિલોનો ભાવ 150 થી 200 થયો - લીંબુના ભાવમાં વધારો - લીંબુના ભાવમાં વધારો
ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે બજારમાં શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીની શરૂઆતમાં લીંબુના ભાવમાં પણ વધારો થતા લીંબુ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખશે તેવુ જોવા મળી રહ્યું છે.
Published : Apr 11, 2024, 10:25 PM IST
|Updated : Apr 11, 2024, 10:33 PM IST
લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા: રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. ગરમીમાં લોકોને ઠંડા લીંબુ શરબતની યાદ આવે છે પરંતુ, લીંબુના ભાવે ગૃહિણીઓના દાંત ખાટા કરી નાખ્યા છે. હાલમાં ગાંધીનગર અને અમદાવાદમાં લીંબુ 150 થી 200 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે ગાંધીનગર એપીએમસીમાં લીંબુનો ભાવ હાલમાં પ્રતિ કિલોએ રૂપિયા 100 થી 150 ચાલી રહ્યો છે. જોકે થોડાક સમય પહેલાં લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. રમજાનના તહેવાર પહેલા લીંબુનો ભાવ 180 રૂપિયાએ પહોંચતા લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. લીંબુના ભાવમાં હજુ વધારો થશે તેવી શક્યતા જોવા મળી રહી છે. રમઝાનના તહેવારમાં લીંબુ અને ફ્રુટનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે પણ લીંબુનો લોકો ઉપયોગ કરતા હોય છે. આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તવું પણ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળા પહેલા જ સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.
લીંબુની આવક સામે માગ વધી: ગાંધીનગર એપીએમસીમાં શાકભાજી વેપારી માનાજી મોદીએ જણાવ્યું કે, હાલ લીંબુના ભાવ વધ્યા છે. કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે. તેને કારણે ભાવ વધારો થયો છે. હાલમાં ગુજરાતમાંથી આવતા લીંબુની આવક ઘટી છે તેથી ભાવો આસમાને પહોંચ્યા હતા. પરંતુ, ચેન્નઈથી લીંબુની આવક શરૂ થતા ભાવો સ્થિર થયા છે. હાલમાં ગાંધીનગરમાં અંદાજિત દૈનિક 2000 લીંબુની આવક છે. ઉનાળામાં લીંબુ શરબત, શેરડીનો રસ, કોલ્ડ્રિંક્સ, અથાણામાં લીંબુ વપરાતા હોવાથી તેની ખપત વધી જાય છે.