કચ્છ:કચ્છના વાગડ વિસ્તારની રાપર અને ભચાઉ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ચૂંટણીના પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. ત્યારે આ રાપર નગરપાલિકાની ચૂંટણીનો શું છે માહોલ? કેટલા મતદારો મતદાન કરશે? શું રહ્યો છે ઇતિહાસ જાણો આ અહેવાલમાં...
કચ્છનાં રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન વિવિધ વિવાદિત નિવેદનો જોવા મળી રહ્યા છે. ત્યારે રાપરનું રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણી બાદ રાપર અને ભચાઉ નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ હતી અને બે વર્ષ સુધી વહીવટદારનું શાસન ચાલ્યું હતું. તો બે વર્ષ બાદ ચૂંટણી જાહેર થઈ છે. વાગડની ભચાઉ નગરપાલિકામાં તો 17થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ જતા ભાજપે સત્તા હસ્તગત કરી લીધી છે, પરંતુ રાપર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે.
ભાજપ જીતની હેટ્રિક મારવા તત્પર, કોંગ્રેસ પરિવર્તન લાવવા પ્રયત્નશીલ
ઉલ્લેખનીય છે કે રાપર વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે હતી પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢને પરાસ્ત કરીને ભાજપે ભગવો લહેરાવી ફરી આ બેઠક પર જીત મેળવી છે. ત્યારે ધારાસભ્યના અને ગત વર્ષની બોડી દ્વારા કરાયેલા કામોના આધારે ભાજપ રાપર નગરપાલિકાની સત્તા મેળવીને હેટ્રિક કરવા માટે તત્પર છે. તો બીજી બાજુ પક્ષે કોંગ્રેસ દ્વારા રાપરની પ્રજાને પડતી મુશ્કેલીઓ નિવારવા માટેનાં વચનો આપી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રયત્નો કરી રહી છે.
રાપર નગરપાલિકાનો ઇતિહાસ
વર્ષ 1995માં રાપર નગર પંચાયતમાંથી નગરપાલિકા બની હતી. રાપર નગરપાલિકાની વર્ષ 1995ની પ્રથમ ચૂંટણીમાં તમામ 21 બેઠક બિનહરીફ મેળવી ભાજપે સત્તા હાંસલ કરી હતી. તો ત્યાર બાદ વર્ષ 2001થી 2003 સુધી વહીવટદારનું શાસન રહ્યું હતું. વર્ષે 2004થી 2009 અને 2009થી 2013 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. તો વર્ષ 2013થી 2018 અને 2018થી 2022 સુધી પરિવર્તન આવ્યું હતું અને સતત 10 વર્ષ માટે ભાજપનું શાસન રહ્યું હતું. વર્ષ 2018માં રાપર નગરપાલિકાની 28 બેઠકો પૈકી 15 બેઠક ભાજપની અને 13 બેઠક કોંગ્રેસની હતી. વર્ષ 2022થી 2024 સુધી વહીવટદારનું શાસન રહ્યું હતું.
નગરપાલિકાની ચૂંટણીનો માહોલ
રાપર નગરપાલિકાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ એકબીજાને મ્હાત આપવા ઉત્સુક છે. ચૂંટણીનો માહોલ જામે એ પહેલાં જ ત્રણ ઉમેદવારે દાવેદારી પાછી ખેંચતા કોંગ્રેસને ફટકો લાગ્યો હતો, પરંતુ તો પણ કોંગ્રેસે ચૂંટણી પ્રચાર પ્રસાર ચાલુ રાખ્યા છે અને મતદારોને વિવિધ વચનો આપી રહી છે. તો ભાજપ દ્વારા પણ કોઈ કસર છોડવામાં નથી આવી રહી અને દરેક વોર્ડમાં વિકાસના કામોની વાત કરવામાં આવે છે અને હજુ પણ 10 ગણો વિકાસ કરવાની વાત કરવામાં આવી રહી છે. રાપર નગરપાલિકાના તમામ વોર્ડમાં બંને પક્ષનાં કાર્યાલયો ધમધમતા જોવા મળી રહ્યા છે. સાતેય સાત વોર્ડમાં બન્ને પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. તો સાથે જ પ્રબુદ્ધ નાગરિકો અને મતદારો સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પક્ષ દ્વારા નો રિપીટ થિયરી અપનાવી નવા યુવા ચહેરાઓને રાપર નગરપાલિકા પર ચૂંટણી લડવા માટે તક આપવામાં આવી છે.
રાપરના વતનીઓ મતદાન કરવા આવશે કચ્છ
ઉલ્લેખનીય છે કે રાપરના વતનીઓ મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં ધંધાર્થે વસવાટ કરી રહ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી સમયે જે રીતે ટ્રેન અને બસો ભરીને મતદારો મતદાન કરવા માટે આવ્યા હતા. ત્યારે તે મુજબ જ નગરપાલિકાની ચૂંટણી માટે પણ મુંબઈને અન્ય રાજ્યમાં રહેતા મતદારો 16મી એ મતદાન કરવા રાપર આવશે.