કોંગ્રેસના નગરસેવકોએ હોબાળો કર્યો કચ્છ : ભુજ નગરપાલિકાની આજે સમાન્ય સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ થવાનો હોવાના ઇનપુટના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આજે ભુજ નગરપાલિકામાં અમુક ઠરાવો પસાર કર્યા બાદ વિરોધ પક્ષના સભ્યો દ્વારા ગટર સમસ્યા, પાણી, બગ બગીચા અને દેશલસર તળાવના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વિરોધના ભાગરૂપે લાંબા સમયથી પ્રશ્નોનો ઉકેલ ન આવતા ભુજ નગરપાલિકાના પ્રમુખને ગુલાબના ફૂલ આપવા ઉપર જઈ રહ્યા હતાં તે સમયે વિરોધ પક્ષના સભ્યોને પોલીસે રોક્યાં હતાં.
પોલીસે વિપક્ષી સભ્યોને રોક્યાં :ભુજ નગરપાલિકાના અણધડ વહીવટ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વેધક સવાલો પૂછવામાં આવતા સામાન્ય સભામાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વિપક્ષી નગરસેવકોના આકરા વલણ સામે સત્તા પક્ષે પોલીસનો સહારો લેતા મામલો ગરમાયો હતો અને સામાન્ય સભાની કામગીરી આટોપી લેવામાં આવી હતી અને સતા પક્ષના સભ્યોએ ચાલતી પકડી હતી. તો વિપક્ષી નગરસેવકો દ્વારા વિવિધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં.
સત્તા પક્ષે ચાલતી પકડી :ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં આજે ચર્ચા દરમિયાન કર્મચારી ભરતી પરીક્ષા અને દેશલસર તળાવમાં રૂ.55 લાખ ખર્ચ થયા બાદ પણ વહેતા ગટરના પાણીની સમસ્યા મામલે કોંગ્રેસના નગરસેવકો દ્વારા સત્તા પક્ષને પ્રશ્નો પૂછવામાં આવતા માહોલ ઉગ્ર બની ગયો હતો. સત્તા પક્ષ દ્વારા પોલીસને હસ્તક્ષેપ કરવા બોલવામાં આવતા ટાઉન હોલમાં હોબાળો મચી જવા પામ્યો હતો. અંતે સામાન્ય સભા પૂર્ણ જાહેર કરીને આટોપી લેવામાં આવતા વિપક્ષના પ્રશ્નોના જવાબો વણઉકેલ્યાં રહ્યાં હતાં.
વિપક્ષ પર ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો : વિરોધ પક્ષના નેતા કામ સમાએ જણાવ્યું હતું કે સામાન્ય સભા દરમિયાન કર્મચારીઓની ભરતી માટેની પરીક્ષા વિવાદ બાદ રદ્દ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવતા વિપક્ષ દ્વારા નવા કર્મચારીઓને તક આપતી પરીક્ષા યોજવાની માગ કરી હતી.
શહેરના દેશલસર તળાવમાં ફરી ઊગી નીકળેલી જલકુંભી અને તેમાં ગટરના વહેતા પાણી હવે છેક વોર્ડ નંબર બે અને ત્રણના વિસ્તારોમાં પહોંચ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે ગત ટર્મની બોડી દ્વારા રૂ. 55 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે કામ થયું હોય એવું દેખાતું નથી, તો ગત ટર્મના પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બગ બગીચા પાછા પણ 65લાખના ખર્ચે કરવામાં આવ્યા હોવા છતાં જાળવણીનો અભાવ દેખાઈ રહ્યો છે.આ પ્રશ્નોના જવાબ આપવાના બદલે સત્તા પક્ષે પોલીસને વચ્ચે લાવી સભા પૂર્ણ જાહેર કરી હતી. જો આ મામલે યોગ્ય જવાબ નહિ મળે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ દેશલસર તળાવમાં વિપક્ષી સભ્યો કૂદકો મારીને વિરોધ નોંધાવશે...કાસમ સમા (વિપક્ષ નેતા, ભુજ નગરપાલિકા)
પ્રમુખે મૌન સાધ્યું :આ સમગ્ર બાબતે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ મૌન સેવ્યું હતું. આગામી સમયમાં પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને મીડિયાને પણ યોગ્ય જવાબ ના આપીને ચાલતી પકડી હતી. નગરપાલિકા ખાતે તેમની ચેમ્બરમાં પણ તે મુલાકાત માટે મળ્યા ન હતાં.
- Bhuj Local Issue : ભુજ શહેરના રિંગરોડની બિસ્માર હાલત, તંત્ર પર વિપક્ષનો ગંભીર આક્ષેપ
- Kutch News : હાડકાંપાંસળા એક કરે તેવા રસ્તાઓને લઇ નગરજનો હાલાકીમાં, ભુજ નગરપાલિકાએ આપ્યું આવું આશ્વાસન