કચ્છ : નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024 - 25 માટેનું 3, 32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું. અન્યાય કઈ રીતે એ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યનો લગભગ 30 ટકાથી વધારે જીયોગ્રાફી અને 20 ટકાથી 22 ટકા રેવન્યુ ધરાવતો ગુજરાતના કચ્છ જિલ્લાને બજેટ એલોકેશનમાં 5 ટકાથી પણ વધારે હિસ્સો નથી મળ્યો.
નર્મદાના નીર પહોંચાડવા માટે સરકાર ગંભીર નથી :ગુજરાતનો પ્રાણ પ્રશ્ન કે જે નર્મદાના નીર છે તે કચ્છનો પ્રાણ પ્રશ્ન છે. જે હજી સુધી ત્યાંને ત્યાં ઊભો છે. સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં સૌની યોજના અને સુજલામ સુફલામ્ યોજનાની કામગીરી થઇ ગઇ અને પૂર્ણ થવા આવી છે પણ કચ્છને પાણી પહોંચાડવા માટે સરકાર ગંભીર નથી જણાઈ રહી. કારણ કે કચ્છને પાણી પહોંચાડવા માટે 22000 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. જેની સામે માત્ર 2700 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં યોજના માટે 35000થી 40000 કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા છે.
કચ્છના ખેડૂતો દર વર્ષે 45000 કરોડની આવકની શક્યતા : કચ્છને નર્મદાના પાણી ફાળવવા માટેનો સમય આવ્યો છે ત્યારે સરદાર સરોવરના બજેટને જ અડધું કરી દેવામાં આવ્યું છે. જેના કારણે કચ્છને જે પાણી મળવું જોઈએ તે નહીં મળે. સૌના સાથ સૌના વિકાસની સરકારે કચ્છને ગુજરાતથી શા માટે અલગ કરી નાખ્યું છે તેવા પ્રશ્નો ઉભા કર્યા હતાં. કચ્છના ખેડૂતોને જો પાણીની યોગ્ય સુવિધા મળે તો કચ્છના ખેડૂતો દર વર્ષે 45000 કરોડની આવક ઊભી કરી શકે તેમ છે. પરંતુ નર્મદાના નીર નથી મળી રહ્યા. કચ્છને 2,85,000 એકરમાં પીયત બનાવવાની વાત હતી તેના સામે આજ સુધી ખેડૂતોને 1 ઇંચ પાણી લિગ્લી ખેડૂતોને હક પ્રમાણે મળી શકે તેમ બન્યું નથી. કારણ કે કેનાલ તો બની છે પરંતુ સબ બ્રાન્ચ કેનાલોનું કામ બાકી છે. જેના કારણે કેનાલમાં પાણી તો દેખાય છે પરંતુ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી.
રાજ્યના વિકાસમાં કચ્છની ભાગીદારી શા માટે નહીં :વર્ષ 1979માં પાણીની વહેંચણી માટે નર્મદા ટ્રિવિયલ એવોર્ડ મળ્યો ત્યારે પાણીનો ઉપયોગ કરવા માટે 45 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો કે જે 2024માં પૂર્ણ થાય છે. ગુજરાતને નર્મદાનું પાણી કચ્છના કારણે મળ્યું છે. અગાઉ ઇન્દિરા ગાંધી કેનાલથી રાજસ્થાનથી પાણી આવવાનું હતું, પરંતુ ત્યારે કહેવામાં આવ્યું કચ્છની કેનાલમાંથી પાણી આવશે. પરંતુ નર્મદાના કેનાલને ઘણા વર્ષો થયા પરંતુ હજી સુધી પાણી પહોંચ્યા નથી. 30 વર્ષથી ભાજપની ગતિશીલ સરકાર છે તો આ ગતિશીલતામાં કચ્છની ભાગીદારી કેમ ના હોય આ સામૂહિક વિકાસમાં કચ્છની ભાગીદારી શા માટે નહીં.