કચ્છ: ગુજરાતનો કચ્છ જિલ્લો કલા અને કારીગરોની ભૂમિ છે. સદીઓ જૂની રોગન આર્ટ હોય કે સંગીત, કચ્છની ધરતી પર કલાનો ખજાનો છે. આવી જ એક કચ્છી કલા 'વૂડન આર્ટ' વિશ્વમાં નામના ધરાવે છે. જેમાં લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. લાકડાના નકશીકામમાં મૂળ હાથથી જ ખાસ ઓજારો દ્વારા કોતરણી કરવામાં આવે છે.
કચ્છમાં હાલમાં કાષ્ઠ નકશી કલા સાથે સાથે સંકળાયેલા કારીગર જયમલ માયા મારવાડા તેમની કલા યાત્રા વિશે ઈટીવી ભારતને જણાવે છે કે, આ કલા 400 વર્ષ જૂની છે અને તેમના બાપ દાદાના સમયથી ચાલી આવતી કલા છે, અને તેઓ પણ જ્યારે 15 વર્ષના હતા ત્યારથી આ કલા સાથે સંકળાયેલા છે. હાલમાં 55 વર્ષની ઉંમરે તેમની સાથે તેમના બે દીકરા વિજય અને રાજેશ પણ તેમની સાથે જોડાયા છે અને આ કલાને લુપ્ત થતી બચાવી રહ્યા છે. કારણ કે આજના આધુનિક યુગમાં મશીનરી મારફતે વુડન કાર્વિંગ કરવામાં આવે છે. પરંતુ આજે પણ હાથેથી કોતરણી કરેલ વસ્તુઓનું મહત્વ અકબંધ છે."
40 વર્ષોથી લાકડા પર કોતરણીનું કામ કરતા કારીગર
જયમલ મારવાડા મૂળ કચ્છના ખાવડા પાસેના લુડિયા ગામના વતની છે. છેલ્લા 35 વર્ષથી તેઓ ભુજ તાલુકાના ભૂજોડી ગામે સ્થાયી થયા છે. તેઓ 40 વર્ષથી લાકડા પર કોતરણીનું કામ કરે છે. તેમનો સંપૂર્ણ પરિવાર હસ્તકલા સાથે સંકળાયેલો છે. પરિવારના મહિલા સભ્યો પણ કચ્છી ભરતકામ કરે છે અને વારસાગત કલા સાથે જોડાયેલા છે.
ઇંગ્લેન્ડનો ગ્લોબલ બૂક ઓફ એક્સેલન્સ એવોર્ડ
તાજેતરમાં જ જયમલ ભાઈને ભુજોડીમાં તેમના ઘેર રૂબરૂ આવીને ઇંગ્લેન્ડના ગ્લોબલ બૂક ઓફ એક્સેલન્સ દ્વારા આંતર-રાષ્ટ્રીય બહુમાન અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વંશ પરંપરાગત અને વુડન એમ્બ્રોઇડરી ક્રાફટ સાથે છેલ્લા 35 વર્ષથી સંકળાયેલા જયમલભાઈ અનેક રાજ્યો અને વિદેશોમાં યોજાતા હેન્ડિક્રાફટ પ્રદર્શનોમાં ભાગ લઈને કચ્છની ક્રાફટથી અનેક લોકોને કલા અંગે માહિતગાર કરી રહ્યા છે અને તેમનો પૂરો પરિવાર પણ આ કલાનું જ કામ કરે છે. મારવાડા પરિવારના પ્રયત્નોથી ગ્રામીણ ક્ષેત્રના નાના કારીગરોને પણ વેચાણ માટે મોટા શહેરોની માર્કેટ મળી છે. જયમલભાઈ અન્ય લોકોને પણ આ કલા શીખવાડે છે અને તેમણે નાના કારીગરોને આર્થિક રીતે સદ્ધર કર્યા છે. તેમના આ પ્રયાસોથી અનેક કારીગરોને આ કલા સાથે જોડાઇ રહેવાનું પ્રોત્સાહન અને રોજગાર મળ્યો છે. જેના માટે ગ્લોબલ બૂક ઓફ એક્સેલન્સની ભારત શાખાના પ્રમુખ મનીષકુમારે જયમલભાઈના ઘરે આવી જયમલભાઇને સર્ટિફિકેટ, અંગવસ્ત્ર તથા મેડલ એનાયત કરવામાં આવ્યું હતું.
કલા મારફતે નાના કારીગરોને આર્થિક સદ્ધર કર્યા
જયમલભાઈએ આ કલા મારફતે નાના કારીગરોને આર્થિક સદ્ધર કર્યા છે. તેમના આ પ્રયાસોથી અનેક કારીગરોને આ કલા સાથે જોડાઇ રહેવાનું પ્રોત્સાહન અને રોજગાર મળ્યો છે. જેના માટે ગ્લોબલ બૂક ઓફ એક્સેલન્સની ભારત શાખાના પ્રમુખ મનીષકુમારે જયમલભાઈના ઘરે આવી જયમલભાઇને સર્ટિફિકેટ, અંગવસ્ત્ર તથા મેડલ એનાયત કરવામાં આવ્યું હતું.
મશીન નહીં હાથથી કરાય છે કામ
કચ્છમાં અગાઉ આ કલા સાથે સંકળાયેલા 40થી 50 કારીગરો હતા. પરંતુ હવે માત્ર 10થી 12 કારીગરો જ રહ્યા છે. લુડિયા ગામમાં પણ તેમના પરિવારના જ સભ્યો આ કલાને જાળવી રહ્યા છે. તો કચ્છમાં આ કલા બીજે ક્યાંય પણ નથી થતી. દેશી સાધન દ્વારા આ કલા તૈયાર કરવામાં આવે છે. જેના સાધનો પણ લુહાર પાસે બનાવડાવામાં આવે છે. લાકડા પરનું નકશી કામ કોઈ પણ જાતની મશીનરીનો ઉપયોગ કરીને નહીં પરંતુ સંપૂર્ણ કામ હાથેથી વિવિધ સાધનો વડે કોતરણી કરીને કરવામાં આવે છે.
લાકડા પર ક્રાફ્ટિંગ પ્રક્રિયા માટે છીણી, હથોડી, કરવતનો ઉપયોગ
કચ્છ સમગ્ર ભારતમાં લાકડાની કોતરણીની કુશળતા માટે પ્રખ્યાત છે. ખુરશીઓના બેકરેસ્ટ અને ચારપાઇની ફ્રેમને રંગબેરંગી લેથવાળા પગ સાથે જોડવાની વાત હોય કે વુડન આર્ટમાં મોટા ભાગે જે કોતરણીવાળી પેટર્ન હોય કે પછી ક્વાર્ટર ફોઇલ અને છ પાંખડીવાળા ફૂલો. લાકડા પર ક્રાફ્ટિંગ પ્રક્રિયા માટે છીણી, હથોડી, કરવત અને હાથથી બનેલા લેથ્સ વગેરે જેવા સાધનોનો ઉપયોગ થાય છે.