કચ્છ: પૂર્વ કચ્છના ગાંધીધામમાં ફર્જી (ખોટા બનાવટી) કાગળો બનાવી દુબઇથી ગેરકાયદેસર સોપારીનો જથ્થો મંગાવ્યાનો આરોપ લાગ્યો છે. સોપારીના જથ્થા સાથે આરોપીઓને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડયા છે. 53950 કિલો સોપારીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા છે તો હજુ 2 આરોપી ઝડપવાના બાકી છે. પોલીસે 1,61,85,000ની કિંમતનો સોપારીનો જથ્થો ઝડપ્યો છે તેમજ 2.15 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ટેકસ ચોરીથી બચવા રોક સોલ્ટના નામે દુબઈથી સોપારી મંગાવી હતી.
બાતમીના આધારે એલસીબીએ પાડી રેડ:પૂર્વ કચ્છ એલસીબીના પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં LCBની ટીમ ગાંધીધામ બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ચુડવા સીમ સર્વે નં. 16/એ વાળી જગ્યાએ આવેલી ગૌતમ ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્કીંગમાં GJ12BY6342 અને GJ12BZ9563 વાળા ટ્રેલર અને કન્ટેનરમાં ચોરી કે છળકપટથી મેળવેલ સોપારીનો જથ્થો ભરેલો છે. આ સોપારીનો જથ્થો ગાંધીધામના જુનૈદ નાથાણીએ ભરાવ્યો છે.
દુબઈથી રોક સોલ્ટ (સીંધા નમક)ના નામે સોપારીનો જથ્થો મંગાવાયો:બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ 20 નવેમ્બરના રોજ એલસીબીની ટીમે રેડ પાડી હતી. જેમાં વાહનમાંથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરતા એફ.એન.ઈમ્પેકસ નામની કંપનીએ સરકારની ટેકસ ચોરીથી બચવા દુબઈથી રોક સોલ્ટ (સીંધા નમક)ના નામે આ જથ્થો મંગાવ્યો હતો. પરંતુ સોપારીના જથ્થા સાથે ત્રણ આરોપી મળી આવતા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ફરીયાદ આપી ગુનો નોંધવામાં આવ્યો છે.
ઝડપાયેલ આરોપીઓનાં નામ
- રાજકોટના 50 વર્ષીય જુનેદ યાકુબ નાથણી (મેમણ)
- રાજસ્થાનનો 48 વર્ષીય બાબુલાલ કાનારામ ગુજર
- ઉત્તરપ્રદેશનો 20 વર્ષીય વિશાલ ફુલચંદ જાટવ