ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત : ભારત-પાક સરહદ પર 3.2 તીવ્રતાનો આંચકો - KUTCH EARTHQUAKE

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત-પાકિસ્તાન બોર્ડર પર વહેલી સવારે 2:38 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 10:33 AM IST

કચ્છ :સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારે 2:38 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે વહેલી સવારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. શિયાળો શરૂ થતાં હવામાનમાં ફેરફાર સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે.

3.2 તીવ્રતાનો આંચકો અનુભવાયો :વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે વહેલી સવારે 2:38 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 37 કિલોમીટર દૂર નોર્થ, નોર્થ-ઇસ્ટમાં નોંધાયું છે.

ભચાઉની ફોલ્ટલાઈનમાં નોંધાયો આંચકો :ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટ લાઇન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકા અનુભવાતા હોય છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે.

4થી વધુ તીવ્રતાના આંચકા ભયજનક :કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ તમામ ફોલ્ટલાઈન સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. ભારત-પાક બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
  2. શા માટે કચ્છની ધરા પર અવારનવાર અનુભવાય છે આંચકા

ABOUT THE AUTHOR

...view details