કચ્છ:ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા કચ્છના વેકરીયાના રણમાં અશ્વ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છી સિંધી ઘોડાને માન્યતા મળ્યા બાદ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લોકો અહીં ભાગ લે છે. જેમાં મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના ઘોડેસવારો અને પાલકો દ્વારા હરીફાઈમાં ભાગ લેવામાં આવ્યો હતો. ઘોડાની કુલ 6 હરીફાઈમાં અંદાજે 150 થી વધુ ઘોડે સવારએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના ખાગરિયા (khagaria) નસલના ઘોડાએ મોટી રેવાલ રેસ જીતીને ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
મહારાષ્ટ્રના ઘોડાએ જીતી કચ્છની સૌથી મોટી ઘોડા દોડ:મહારાષ્ટ્રથી આવેલા એઆર સ્ટડ ફાર્મ ગ્રુપ (AR Stud Farm Group) ના 'અલ સકબ' ઘોડાએ રેસમાં મેદાન માર્યું હતું. મોટી રેવાલ કેટેગરીમાં આ ઘોડો પ્રથમ આવ્યો હતો અને 40 કિલોમીટરથી વધુની ઝડપે તે દોડ્યો હતો. ઇનામમાં ઘોડેસવારને બાઈક મળી હતી. લાખેણો કહેવાતો આ ઘોડો હરીફાઈમાં પ્રથમ આવતા તેના માલિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. તો અહીં 25 દિવસથી ટ્રેનિંગમાં આવેલા લોકોએ કચ્છની મહેમાનગતિ માણીને પણ અભિભૂત થયા હતા. ઉપરાંત પોતાનો ઘોડો હરીફાઈ જીતતા માલિકે નોટોના બંડલ પણ હવામાં ઉછાળ્યો હતો. આ હરીફાઈની ડ્રોન તસવીરો વિકાસ આહિર દ્વારા કેદ કરવામાં આવી હતી.
દરરોજનો 2000 રૂપિયાનો ઘોડાનું ડાયટ, 4 લોકો દેખરેખ માટે:એઆર સ્ટડ ફાર્મ ગ્રુપના ઘોડેસવાર આફતાબ પઠાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, એઆર સ્ટડ ફાર્મ પાસે કુલ 10 ઘોડા છે જે પૈકી 'અલ સકબ' પણ છે. આઅ ઘોડો ખાગરિયા (Khagaria) નસલનો ઘોડો છે તેની ઉંમર 5 વર્ષની છે. તેની ઊંચાઈ 61 ઇંચની છે. તે દરરોજ રેવાલ ચાલની પ્રેક્ટિસ પણ કરે છે અને દરરોજનું 2000 રૂપિયાનું ડાયટ ફોલો કરે છે. આ ડાયટમાં ડ્રાયફ્રુટસ પણ હોય છે. આ ઘોડાની દેખરેખ 4 લોકો કરે છે જેનો મહિનાનો પગાર 15000 થી 20000 છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ઘોડો અગાઉ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોજાયેલી ઘોડા દોડમાં ચેમ્પિયન થઈ ચૂક્યો છે.
ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઘોડા હરીફાઈમાં જોડાયા: સામાન્ય રીતે રણમાં ઊંટ જ ચાલતા હોય છે તેવું સાંભળ્યું છે પરંતુ કચ્છના વેકરીયાના રણમાં ઘોડા દોડ યોજાઈ હતી. કચ્છી સિંધી ઘોડાની માન્યતા પછી કચ્છના રણમાં અશ્વ હરીફાઇ પણ યોજાતી હોય છે. પરિણામે ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઘોડા હરીફાઈમાં જોડાયા હતા. ભારતમાં ઘોડાની માન્યતા પ્રાપ્ત હોય એવી 7 નસલ છે જેમાં 7મી નસલ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર કચ્છી સિંધી ઘોડાની નસલ છે. આ ઘોડાઓ અલગ અલગ રાજ્યમાં જઈ અને ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે.
જુદી જુદી કેટેગરીની કુલ 6 હરીફાઈ યોજાઈ:કચ્છના વેકરિયા રણમાં ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આયોજિત આ હરીફાઈમાં ઘણા રાજ્યોનાં લોકો ભાગ લેતા હોય છે. જેમાં કચ્છ ઉપરાંત અન્ય વિસ્તારના કચ્છી સિંધી અશ્વ પાલકો વિવિધ હરીફાઈમાં ભાગ લીધો હતો. જેમાં 3-3 કિલોમીટરની 2 અને કુલ 6 હરીફાઈ યોજાઈ હતી. જેમાં મોટી રેવાલ, નાની રેવાલ, બે દાંત વછેરા, અ દાંત વછેરા, રાઉન્ડ રેસ અને સરાડો જેવી રેસ યોજવામાં આવી હતી. આ રેવાલ ચાલ એટલે ઘોડો પોતાનો દરેક પગ અલગ અલગ સમયે ઊંચે ઉઠાવે અને તેના ચારેય પગ જુદા જુદા સમયે નીચે જમીન પર પડે છે.
રેવાલ ચાલના કારણે કચ્છી સિંધી નસલના ઘોડાનું મહત્ત્વ વધ્યું:કચ્છી સિંધી નસલના ઘોડા કચ્છ ઉપરાંત રાજસ્થાનના બાડમેરમાં મુખ્યત્વે જોવા મળે છે. અહીં 400 થી 500 લોકો ઘોડાઓ લઈને આવ્યા હતા. ઉપરાંત હરીફાઈ જોવા માટે હજારોની સંખ્યામાં પણ લોકો ઉમટયા હતા. અશ્વ પાલન માટે જાગૃતિ આવે તે માટે કચ્છમાં વિવિધ સ્થળોએ હરીફાઈના આયોજનોમાં રેવાલ ચાલના કારણે કચ્છી સિંધી નસલના ઘોડાનું મહત્વ વધ્યું છે. આ ઘોડો જ્યારે રેવાલ ચાલ ચાલે ત્યારે એમ કહેવામાં આવે છે કે, અસવાર કોઇ ખુલ્લા વાસણમાં પ્રવાહી લઇ જાય તોય એ હલતું નથી એ અન્ય ઘોડાની સરખામણીએ એની વિશેષતા છે.