કચ્છ : રાજ્યના વનવિભાગ દ્વારા જંગલી ગધેડાઓની ગણતરી હાથ ધરવામાં આવશે.ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા જંગલી ગધેડા એટલે કે ઘુડખરની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. ઘુડખર એક એવી પ્રજાતિ છે જેની વિશ્વમાં એકમાત્ર જંગલી વસતી કચ્છના નાના રણ અને મોટા રણના વિસ્તારમાં જોવા મળે છે. કચ્છના નાના અને મોટા રણના વિશાળ વિસ્તારને ધ્યાનમાં રાખીને તેમજ વિવિધ પડકારોની વચ્ચે ચોકસાઈપૂર્વક વસ્તી ગણતરી કરવા માટે વનવિભાગે જંગલી ગધેડાઓની ગણતરી માટે પ્રથમ વખત ડ્રોન કેમેરા અને કેમેરા ટ્રેપનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
10મી જંગલી ગધેડાની વસતી અંદાજ : ધ્રાંગધ્રા સ્થિત ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક ધવલ ગઢવીએ ઈટીવી ભારત સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઘુડખર વસતી ગણતરી ટોટલ બ્લોક કાઉન્ટ પદ્ધતિથી કરવામાં આવતી હોય છે. ગુજરાતના મુખ્ય મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં 10મી જંગલી ગધેડાની વસતી અંદાજ માટે અધિકારીઓને તાલીમ આપવા માટે ધ્રાંગધ્રા ખાતે એક વર્કશોપ યોજ્યો હતો. આ વર્કશોપમાં રાજ્યના કચ્છ પ્રાદેશિક વન વર્તુળના વન સંરક્ષક અને ગાંધીનગર વન્યજીવ વર્તુળના CF એ પણ ભાગ લીધો હતો ઉપરાંત મદદનીશ વન સંરક્ષકો અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સને ઘુડખરની વસતી ગણતરી હાથ ધરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.
372 જેટલા બ્લોક પર બ્લોક કાઉન્ટ પદ્ધતિથી થશે ગણતરી : કુલ 15,500 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ગધેડાની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. જેને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ભચાઉ, રાધનપુર અને ધાંગ્રધા જ્યાં આગળ જતા 17 જેટલા ઝોન અને 77 જેટલા સબ ઝોનમાં આ વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. કચ્છના નાના રણમાં 21 અને 22 મેના રોજ અભયારણ્ય વિભાગનો 450 જેટલા કર્મચારી અને અધિકારીઓ, 372 જેટલા ચોકીદારનો સ્ટાફ ઉપરાંત 400 જેટલા સ્થાનિક ગ્રામજનો, એનજીઓ સાથે સંકળાયેલા લોકો તેમજ વન્યપ્રાણી પ્રેમીઓ સહિત અંદાજિત 1800 જેટલા લોકો દ્વારા 372 બ્લોક પોઇન્ટ પર ઘુડખરની ગણતરી હાથ ધરવામાં આવશે.આ વસતી ગણતરી દરમિયાન માટે ઘુડખર નહીં પરંતુ ચિંકારા, શિયાળ, વરું, રણ લોકડીની પણ સાથે સાથે ગણતરી થશે.