અમદાવાદ: પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
વિશ્વના 7 સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન
ઉલ્લેખનીય છે કે, UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું. હવે, વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરીને પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ મેળવીને સ્મૃતિવન મ્યુઝિયમે આ અંતિમ એવોર્ડ-સન્માન ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ પ્રિક્સ વર્સેલ્સ એ વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે. મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્પોરિયમ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો તેમાં સમાવેશ થાય છે.
ભૂકંપમાં જીવ ગુમાવનારા નાગરિકોની યાદમાં બન્યું સ્મૃતિવન
ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001ના ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ઘમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમની અનન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયો છે.