ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન

દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. કચ્છ પ્રવાસીઓ માટે મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. દિવાળી વેકેશન શરૂ થતાની સાથે જ કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે.

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે કચ્છ મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું
દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે કચ્છ મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

કચ્છ: દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે કચ્છ પ્રવાસીઓ માટે મોસ્ટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. દિવાળી વેકેશન શરૂ થતાની સાથે જ કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈને છેક ધોળાવીરા સુધી પ્રવાસીઓ કચ્છમાં પ્રવાસ ખેડી રહ્યા છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ પણ ફેમસ ટુરિસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયું છે. પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભુજમાં આવેલું પ્રાગમહેલ, કચ્છ મ્યુઝીયમ, આઇના મહલ, સ્મૃતિવન તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

પ્રવાસીઓ માટે કચ્છ મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન: સરહદી જિલ્લો કચ્છ છેલ્લાં 2 દાયકાથી પ્રવાસનના હબ તરીકે ઉભરી રહ્યું છે અને દિવસેને દિવસે પ્રવાસીઓનો ધસારો વધતો જાય છે. વર્ષ 2023 દરમિયાન 67,69,646 પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ગત વર્ષે દિવાળી વેકેશન અને રણોત્સવના સમયગાળા દરમિયાન 945 વિદેશી પ્રવાસીઓ સહિત 4.24 લાખ પ્રવાસીઓ કચ્છ આવ્યા હતા.

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે કચ્છ મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું (Etv Bharat Gujarat)

સર્વત્ર પ્રવાસીઓની ભીડ: કચ્છ પ્રવાસન ક્ષેત્રે વિકસી રહ્યું છે ત્યારે દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છના પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. કચ્છના સરહદી તાલુકા લખપતનો કિલ્લો હોય કે કચ્છની કુળદેવી મા આશાપુરાના સ્થાનક માતાના મઢ, પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવર-કોટેશ્વર મહાદેવ મંદિરમાં સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા ખાતે પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કચ્છમાં ફરવા આવતાં પ્રવાસીઓ મોટાભાગે ભુજમાં જ રોકાતા હોય છે, ત્યારે ભુજ અને આજુબાજુના હોટલ અને રિસોર્ટ પણ હાઉસફૂલ જોવા મળતા હોય છે.

કચ્છમાં જોવાલાયક સ્થળો: કચ્છનું જિલ્લા મથક ભુજમાં આવેલું નૂતન સ્વામિનારાયણ મંદિર, ભુજનું કચ્છ મ્યુઝિયમ, રાજશાહી સમયના પ્રાગમહેલ અને આઇના મહલ કે જે કચ્છના રાજાશાહી યુગની પ્રાચીન વિરાસતને સાચવી બેઠા છે, ત્યાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતભરમાંથી ઉમટી રહ્યા છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ, વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિવન, માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, શરદબાગ પેલેસ ધોળાવીરા, નારાયણ સરોવર, રોડ ટુ હેવન, કોટેશ્વર, માતાના મઢ, કાડીયા ધ્રો, રામકુંડ જેવા અનેક ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. સરહદી જીલ્લો કચ્છ આમ તો પહેલાંથી જ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે. પરંતુ ગુજરાત ટુરિઝમના પ્રયાસો દ્વારા કચ્છમાં પ્રવાસનને વધુ વેગ મળ્યું છે.

પ્રવાસીઓ કચ્છમાં દિવાળી વેકેશન માણવા આવે છે: વર્ષ 2023 દરમિયાન માતાના મઢ ખાતે 14,96,823 પ્રવાસીઓ, ભુજમાં 13,07,250 પ્રવાસીઓ, ગાંધીધામ ખાતે 8,58,232 પ્રવાસીઓ, નારાયણ સરોવર ખાતે 7,16,508 પ્રવાસીઓ, માંડવી બીચ ખાતે 5,97,941 પ્રવાસીઓ, સ્મૃતિવન મ્યુઝિયમ ખાતે 4,30,320 પ્રવાસીઓ, ધોરડો ખાતે 7,28,614 પ્રવાસીઓ, ધોળાવીરા ખાતે 2,27,557 અને ભુજોડી ખાતેના હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક અને વંદે માતરમ મેમોરિયલ ખાતે 4,06,401 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી તો આ વખતે દિવાળી વેકેશન દરમિયાન 2 લાખથી પણ વધારે પ્રવાસીઓ મુલાકાત લેશે તેઓ અંદાજો લગાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. ભાવનગર: ફટાકડા બજારમાં છેલ્લી ઘડીએ જામી ભીડ, આ વખતે કેટલા મોંઘા થયા ફટાકડા?
  2. કાળી ચૌદસના દિવસે કષ્ટભંજન દેવને કરાઈ ષોડ્શોપચાર પૂજા, આજના દિવસે પૂજનનું વિશેષ મહત્વ

ABOUT THE AUTHOR

...view details