કચ્છ:જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર ફરી એકવાર DRI હરકતમાં આવી છે. અહીં વિયેતનામથી આવેલા કન્ટેનરમાં ભુંસાના બદલે 8 કરોડના કાજુ નીકળતા DRIએ વિયેતનામથી આવેલા 7 કન્ટેનર ઝડપી પાડયા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, બરોડા, નવસારીના આયાતકારોએ ભુંસાની વચ્ચે કાજુ છુપાવ્યા હતા. DRI એ કુલ 100 મેટ્રિક ટન જથ્થો જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ખોટા ડિકલેરેશન થકી 8 કરોડનો કાજુનો જથ્થો ઝડપાયો: ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગાંધીધામ ટીમને મળેલ ઇનપુટના આધારે વિયેતનામથી આવેલા 7 જેટલા કન્ટેનરને મુન્દ્રા પોર્ટ પર રોકીને તેની ચકાસણી કરી હતી. જેમાં આયાતકારો દ્વારા અગરબત્તી બનાવવામાં કામે આવતા લાકડાનો ભુંસો જાહેર કરવાના આવ્યો હતો, પરંતુ તેની સાથે કાજુના છુપાયેલા પેકેટેસ પણ મળી આવ્યા હતા. જે અંદાજિત 100 મેટ્રિક ટન જેટલો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત 8 કરોડ જેટલી આંકવામાં આવી છે.