કરણ ઠકકર, કચ્છ: 26 જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપે અનેક પરિવારો વિખેરી નાખ્યા. કેટલાક મા-બાપે પોતાના દીકરા-દીકરીને ખોયા. તો કેટલાક બાળકોએ પોતાના મા-બાપ ખોયા. તો કેટલાકના તો પરિવારના તમામ સભ્યો ભૂકંપમાં છીનવાઈ ગયા. ત્યારે આજે આપણે વાત કરીશું ભુજના લકી અલીથી ઓળખાતા 24 વર્ષીય મુર્તઝા વેજલાણીની, કે જે ભૂકંપ સમયે 8 માસના હતા અને તેના પરિવારના તમામ સભ્યો ભૂકંપમાં દટાઈ ગયા હતા. પરંતુ તે 4 દિવસ બાદ પણ જીવતા બહાર નીકળ્યા અને તેનો ચમત્કારીક બચાવ થયો હતો.
ભૂકંપના 102 કલાક વિતી ગયા બાદ નાના બાળકનો રડતો અવાજ સંભળાયો
વર્ષ 2001માં કચ્છમાં શક્તિશાળી 7ની તીવ્રતાથી વધુનો ભૂકંપ આવ્યો હતો. જેણે કચ્છના વિવિધ વિસ્તારોને વેર વિખેર કરી દીધા હતા અને 15,000થી પણ વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપ બાદ અનેક સેવાકીય સંસ્થાઓ, સુરક્ષા એજન્સીઓ, વહીવટી તંત્રની વિવિધ ટુકડીઓ બચાવ કાર્ય કરી રહી હતી. ત્યારે ભૂકંપના 102 કલાક વિતી ગયા હતા અને રેસ્ક્યું કામગીરી હજુ પણ ચાલુ હતી. ત્યારે જે જગ્યાએ એક સમયે 3 માળનું ઘર હતું તે સ્થળ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયું હતું અને રેસ્ક્યું ઓપરેશન કરી રહેલા લોકોને પણ એવી કોઈ આશા નહોતી કે હવે આ સ્થળ પર કોઈ જીવિત હશે. ત્યારે અચાનક કોંક્રિટના ઢગલા નીચે ઊંડેથી કોઈ રડી રહ્યો હોય તેવો અવાજ સંભળાયો. રડતો અવાજ સાંભળીને કોઈ નાનું બાળક રડી રહ્યો હોય તેવો અવાજ હતો. માટે રેસ્ક્યું ઓપરેશન ઝડપથી કરવામાં આવ્યું અને કલાકો પછી 8 મહિનાના મુર્તઝા અલી વેજલાણીને કાટમાળમાંથી ચમત્કારિત રીતે જીવીત બહાર કાઢવામાં આવ્યો.
ભૂકંપમાં પરિવારના 8 સભ્યો કાટમાળમાં દબાયા
જ્યારે 26 જાન્યુઆરીએ ભુજમાં ભૂકંપ આવ્યો ત્યારે મુર્તઝાની દાદી ફાતિમા મોરબીમાં તેમની બીમાર માતાને મળવા ગયા હતા. ભુજ શહેરની કંસારા બજારમાં રહેતા દાઉદી વોહરા ઉદ્યોગપતિ વેજલાની પરિવારનું ત્રણ માળનું મકાન ધૂળ અને કાટમાળના ઢગલા સાથે ધરાશાયી થતાં પરિવારના આઠ સભ્યો મકાનના કાટમાળમાં ફસાઈ ગયા હતા. જેમાં આઠ માસનો મુર્તઝા, તેના માતા-પિતા મુફદ્દલ અને ઝૈનબ, દાદા મોહમ્મદ, કાકા અલી અસગર, કાકી ઝૈનબ અને તેમની બે પુત્રીઓ નફીશા અને સકીના કાટમાળમાં ફસાઈ ગયા હતા. મુર્તઝાની માતા ઝૈનબે ભૂકંપના 1.5 વર્ષ પહેલા મુફદ્દલ સાથે લગ્ન કર્યા હતા અને મુર્તઝા તેમનો એકમાત્ર સંતાન હતો.
8 માસનો પૌત્ર જીવિત હોવાના અવિશ્વસનીય સમાચાર મળ્યા
કચ્છમાં ભૂકંપ આવ્યા હોવાની જાણ મુર્તઝાની દાદીને થતા તેઓ ભુજ આવી પહોંચ્યા હતા અને ભૂકંપના ત્રણ દિવસ પછી મુર્તઝાના દાદા મોહમ્મદના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવાના એક દિવસ પછી તેના દાદી ફાતિમા અને મુર્તઝાના ફઈ-ફુવા કે જેમને માંડવીમાં દાઉદી વોહરા સમુદાય દ્વારા ખોલવામાં આવેલા રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમને તેમના પૌત્ર મુર્તઝાના જીવિત હોવાના અવિશ્વસનીય સમાચાર મળ્યા હતા. જ્યારે પરિવારના અન્ય કોઈ સભ્યને બચાવી શકાયા ના હોવાના સમાચાર મળ્યા હતા.
મૃત માતાના હાથમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો
મુર્તઝાના નાના મોહિજ જમાલી કે જેઓ ભૂકંપની સવારથી એક અઠવાડિયા સુધી ઘરના કાટમાળ પાસે પડાવ નાખી બેઠા હતા. તેમને કોઈએ કહ્યું કે, અહીં કાટમાળમાંથી રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે અને તે અવાજ સાંભળીને લાગે છે કે તે કોઈ બાળક હોવું જોઈએ. જેથી તેના નાનાએ બચાવ કામગીરી કરી રહેલી ટીમો અને સૈન્યને મદદ માટે બોલાવ્યા અને રેસ્ક્યુંની ટીમ દ્વારા 8 માસના મુર્તઝાને તેની મૃત માતા ઝૈનબના હાથમાંથી ખેંચી બહાર કાઢવામાં આવ્યો હતો.