ખેડા:ખેડા જીલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામની બેંકમાંથી છેલ્લા એક મહિનાથી ધડાધડ લોકોના ખાતા ખાલી થઈ રહ્યા છે. ગામની યુનિયન બેંક ઓફ ઈંડિયામાં આવેલા ચાર ખાતામાંથી લોકોની જાણ બહાર જ રૂપિયા બારોબાર ઉપડી ગયા છે. આધારકાર્ડ આધારિત ચુકવણી પદ્ધતિથી રૂપિયા ઉપડી ગયાનું સ્ટેટમેન્ટ પરથી જણાયું છે. આ રીતે ખાતામાંથી બારોબાર રૂપિયા ગાયબ થઈ જતાં ધ્રાસકો લાગી રહ્યો છે. સાથે જ લોકો હવે બેંકમાં પણ રૂપિયા સલામત નથી તેમ માની રહ્યા છે. તેમજ આ રીતે ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપડી જતા અટકે તે માટે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.
ખાતામાંથી આધારકાર્ડ આધારિત ચુકવણી પદ્ધતિથી રૂપિયા ઉપડ્યા
છેલ્લા એક મહિના દરમિયાન બેંકના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપડી ગયા છે. બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તે આધારકાર્ડ આધારિત ચુકવણી પદ્ધતિથી રૂપિયા ઉપડ્યા છે. AEPS ( Aadhaar Enabled Payment System) આધાર કાર્ડ આધારિત ચુકવણી સરળ હોવાથી અને બેંકિંગ સેવા કેન્દ્રો પરથી ખાતામાંથી બેંક બંધ હોય ત્યારે કે રજાના દિવસોએ તેમજ આધારકાર્ડ સાથે અંગુઠો આપવાથી સરળતાથી રૂપિયા ઉપાડી શકતા હોઈ ગ્રામજનો તે વધારે પસંદ કરતા હોય છે. જેને લઈને હવે મોબાઈલનો વધારે ઉપયોગ ન કરનારા લોકોના ખાતા પણ સાયબર ઠગો ખાલી કરી રહ્યા છે. ત્યારે આધારકાર્ડથી રૂપિયા ઉપાડતા હોય તો સાવધાની રાખવાની જરૂર છે.
મહિલાના ખાતામાંથી વિધવા સહાયના તેમજ ખેડૂતના ખાતામાંથી રૂપિયા ગાયબ
ગામમાં રહેતા વિધવા મહિલા તેમના વિધવા સહાયના જમા થયેલા રૂપિયા ઉપાડવા ગયા ત્યારે તે ખાતામાં નહોતા. તેમના ખાતામાં સહાયના ત્રણ મહિનાના રૂપિયા જમા થયા હતા. ખાતામાં ચાર હજાર અઠ્ઠાવન રૂપિયા હતા. બેંક સેવા કેન્દ્ર પર રૂપિયા ઉપાડવા જતા ચાર હજાર રૂપિયા બારોબાર ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યુ હતુ. તેવી જ રીતે એક ખેડૂતના ખાતામાંથી રૂ.11900 તેમજ અન્ય ખેડૂતના ખાતામાંથી રૂ.2700 અને એક યુવાનના ખાતમાંથી રૂ.1100 બારોબાર ઉપડી ગયા હતા.
સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી
બેંકમાંથી જાણ બહાર બારોબાર રૂપિયા કેવી રીતે ગાયબ થાય તે ખાતાધારકોને સમજાતુ નથી. બેંકમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી. જ્યાંથી તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાનું કહીને લેખિતમાં બેંકમાં આપવા જણાવાયું હતું. ચારમાંથી ત્રણ ખાતાધારકો દ્વારા સાયબર ક્રાઇમની હેલ્પલાઈન 1930 પર કોલ કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ આ ખાતાધારકો રૂપિયા પરત મળે તેવી માંગ કરી રહ્યા છે.
અમે ઉપાડ્યા નથી,રૂપિયા પાછા મળવા જોઈએ : ખાતેદાર
બેંકના ખાતેદાર અજીતભાઈએ જણાવ્યું હતું કે, બેંકમાં મારા રૂપિયા બાર હજાર હતા જે 11 અને 13 તારીખે રૂપિયા ઉપડી ગયા છે. અમે બેંકમાં મળ્યા તો અમને ફરિયાદ કરવાનું કહ્યું. અમે ઓનલાઈન ફરીયાદ નોંધાવી છે. અમે ઉપાડ્યા નથી પણ આધારકાર્ડથી ઉપડી ગયા છે. અમારા રૂપિયા પાછા મળવા જોઈએ.