ખેડા: ઉત્તરાયણનું પર્વ હવે નજીક છે. બજારોમાં અવનવા પતંગો જોવા મળી રહ્યા છે. પતંગ રસિયાઓ વિવિધ પ્રકારની પતંગો ચગાવી ઉત્તરાયણનો આનંદ માણતા હોય છે. ત્યારે આ પતંગો પતંગ ઉદ્યોગના હબ ગણાતા નડિયાદ શહેરમાંથી રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે. ખેડા જીલ્લાનું નડિયાદ શહેર પતંગ બનાવવાના વ્યવસાય માટે જાણીતું છે. પતંગ રસિયાઓની ફેવરીટ ચીલ પતંગ નડિયાદમાં બનાવાય છે. નડિયાદ શહેરમાં પતંગ બનાવતા અનેક ગૃહ ઉદ્યોગો આવેલા છે. જ્યાં હજારો કારીગરો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પતંગો બનાવવામાં આવે છે.
પતંગ બનાવતા 100 જેટલા કારખાના છે: સમગ્ર શહેરમાં પતંગ બનાવતા અંદાજે 100 જેટલા કારખાના આવેલા છે. જે હજાર કરતાં વધારે કારીગરો માટે રોજગારીનું માધ્યમ છે. આ કારખાનામાં વિવિધ પ્રકારની પતંગો બનાવવામાં આવે છે. પતંગ બનાવવાના કારખાનામાં કમાન લગાવવાથી માંડીને પેપર સ્ટીકર ચોટાડવા જેવી કામગીરી અલગ અલગ વ્યક્તિઓ કરતા હોય છે.
એક પતંગ પાંચ કારીગર પાસે જાય પછી તૈયાર થાય: તમને જાણીને નવાઈ લાગશે પણ એક પતંગ પાંચ કારીગર પાસે જાય પછી એ પતંગ તૈયાર થાય છે. બધા કારખાનાઓમાં મળી હજાર કરતાં વધારે કારીગરો વિવિધ કામગીરી કરે છે. આ કારીગરો પરંપરાગત રીતે પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કારીગરોને પતંગ બનાવવાની મજૂરી નંગ પર આપવામાં આવતી હોય છે. પતંગ બનાવવાના ઢઠ્ઠા કમાન કલકત્તા, આસામથી મંગાવવામાં આવે છે. જ્યારે પતંગ બનાવવાના કાગળ પૂણે, બોમ્બે, દિલ્હી જેવા શહેરોમાંથી ખરીદી કરવામાં આવે છે.
સમગ્ર વર્ષ દરમિયાન બને છે પતંગો:નડિયાદની પતંગોની સમગ્ર રાજ્યમાં ભારે માંગ રહે છે. જે માંગને પહોંચી વળવા આ કારખાનાઓમાં સમગ્ર વર્ષ દરમિયાન પતંગો બનાવવાની કામગીરી ચાલતી હોય છે. પતંગ બનાવવાની કામગીરી ઉત્તરાયણ બાદ થોડા દિવસ માટે બંધ રહે છે. બાદમાં આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલુ રહે છે. એક કારીગર મિનિટમાં સાત જેટલા પતંગ બનાવે છે. ઉત્તરાયણ નજીક આવતા એક અંદાજ મુજબ નડિયાદમાં રોજની લગભગ 2 લાખ જેટલી પતંગો બનાવવામાં આવે છે.
વિવિધ પ્રકારની પતંગો બનાવાય છે: સમગ્ર રાજ્યના વેપારીઓ નડિયાદમાંથી પતંગની ખરીદી કરતા હોય છે. તેમજ મહિનાઓ અગાઉથી ઓર્ડર આપીને પણ વેપારીઓ પતંગો બનાવડાવતા હોય છે. અહીં બનતી પતંગો બીજી જગ્યા કરતા ભાવમાં સસ્તી હોય છે. આ પતંગોમાં જુદા જુદા રંગ તેમજ ડીઝાઈનો હોય છે જે 1 રૂપિયાથી લઈ 10 રૂપિયા સુધીની કિંમતના હોય છે. આ પતંગોમાં ફેન્સી પ્રિન્ટ, પ્લેન, ફરાચીલ, સફેદ ચિલ, રંગીન પત્તાચીલ, કાટદાર, પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગો બનાવાય છે. અહીં બનાવાતી ચીલ પતંગ એ જાણીતી અને પતંગ રસિયાઓની ફેવરિટ છે જેની રાજ્યભરમાં ભારે માંગ રહે છે.
'પતંગોને કમાન લગાવી રોજગારી મેળવું છું' - કારીગર
પતંગ બનાવનાર કારીગર મુર્શીદભાઈએ જણાવ્યું હતું કે, 'પતંગના કારખાનામાં હું કમાન લગાવવાનું કામ કરૂ છું. રંગબેરંગી પતંગોને કમાન લગાવી રોજગાર મેળવું છું. બાર મહિના અમારૂ આ જ કામ ચાલે છે.'