ખેડા: જિલ્લાના કપડવંજ સેશન્સ કોર્ટે પોક્સો (POCSO) ના ગુનામાં ઉદાહરણ રૂપ ચુકાદો આપ્યો છે. POCSO ના ગુનાના આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં પરિણીત આરોપી કિશન પરમાર ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલામાં કોર્ટે દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને આધારે આરોપીને સજાનો હુકમ કર્યો હતો.
13 થી વધુ દસ્તાવેજી અને 8 મૌખિક પુરાવા રજૂ કર્યા: તારીખ 15 માર્ચ, 2022 ના રોજ બનાવ બન્યો હતો. આ મામલામાં કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે કપડવંજ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ મિનેષ પટેલ દ્વારા 13 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 8 જેટલા મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે. જજ કે.એસ. પટેલ એ આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમારને સજાનો હુકમ કર્યો હતો.
2022માં ઘટેલ પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી (Etv Bharat Gujarat) 'કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને પીડિતાને વળતરનો હુકમ કર્યો' -- સરકારી વકીલ
આ બાબતે સરકારી વકીલ મિનેષ પટેલે જણાવ્યું હતું કે, 'આજરોજ કોર્ટ દ્વારા પોક્સો એક્ટ હેઠળ આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમાર જે ભેજલી, તા. કપડવંજનો રહીશ છે તેને સજા કરી છે. બનાવની હકીકત એવી છે કે, તારીખ 15 માર્ચ, 2022 ના રોજ આરોપીએ પોતાના ગામેથી ભોગ બનનારને ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ તેને કુહા ગામની સીમમાં આવેલ એક કંપનીની ઓરડીમાં રાખી તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો હતો. આ અંગેનો ગુનો કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને તેનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.
સરકારી વકીલે વધુમાં જણાવતા કહ્યું કે, આ કેસ આજ રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતો જેમાં પરિણીત આરોપી કિશનભાઈ બાદરભાઇ પરમારને સગીર વયની દીકરીને ભગાડી લઈ જઈ બળાત્કાર કરવામાં ગુનામાં કસૂરવાર ગણવામાં આવ્યો હતો. પરિણામે કોર્ટે આરોપીને આજરોજ પોક્સો (POCSO) એક્ટની કલમ 6 અંતર્ગત 20 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ તેમજ ઈપીકો (EPICO) કલમ 363 માં ચાર વર્ષની સજા અને 2,500 રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. તેમજ સગીરાને વિક્ટીમ કોમ્પેન્શેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખ ચૂકવવાનો હુકમ પણ સેશન્સ જજ કે.એસ. પટેલે કર્યો છે.
આ પણ વાંચો:
- સોનુ સૂદને મળી મોટી રાહત, લુધિયાણા કોર્ટે 'ફેક કોઈન એપ' કેસમાંથી નામ હટાવ્યું
- ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો આઈફોન ચોરાયો, આરોપી દહેરાદૂનથી ઝડપાયો