કાર કેનાલમાં ખાબકી, એક વ્યક્તિનું મોત (ETV Bharat Gujarat) ખેડા :નડિયાદ પાસેના પીપલગ ગામની સીમમાંથી પસાર થતી મહી સિંચાઇની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકી હતી. જે બાબતે નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ રેસ્ક્યૂ ટીમ સાથે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ કેનાલમાંથી કારને ક્રેઈન મારફતે બહાર કાઢી હતી. કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
કાર કેનાલમાં ખાબકી :નડિયાદના પીપલગ પાસેથી પસાર થતી મહિ સિંચાઇની મુખ્ય કેનાલમાં અચાનક એક કાર ખાબકી હતી. જે બાબતે સ્થાનિકો દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને લઈ રેસ્ક્યૂ ટીમ સાથે નડિયાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ પહોંચ્યા હતા.
રેસ્ક્યુ કામગીરી :કેનાલના પાણીમાં કારની શોધખોળ હાથ ધરાઈ હતી. ભારે જહેમત બાદ કેનાલમાં કાર મળી આવતા તેને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. કાર આણંદ પાર્સિંગની છે. જેનો નંબર GJ 23 CC 6816 છે.
પોલીસ તપાસ :નડીયાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસને કારમાંથી મળેલ આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સના આધારે મૃતદેહની ઓળખ કરવામાં આવી રહી છે. મૃતદેહ કારચાલકનો જ છે કે કેમ તેમજ કારમાં અન્ય કોઈ વ્યક્તિ સવાર હતા કે કેમ તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
- "કોલ મળતા તાત્કાલિક પહોંચ્યા હતા" : ફાયર ઓફિસર
આ બાબતે ડિસ્ટ્રીક્ટ ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે પીપલગ પાસે મોટી કેનાલમાં ગાડી પડી ગઈ છે. તરત અમે રેસ્ક્યૂ વ્હીકલ અને તરવૈયા ટીમ લઈને આવી કેનાલમાં શોધખોળ કરી હતી. શોધખોળ કરતા પહેલા ગાડી ડિટેક્ટ થઈ હતી. ડિટેક્ટ થયા બાદ તરવૈયાઓ દ્વારા તેને રસ્સા બાંધી ક્રેનની મદદથી બહાર કાઢી છે. ગાડીની અંદર એક મૃતદેહ પણ મળી આવેલ છે.
- નડિયાદમાં ધોળા દિવસે વૃદ્ધાને અજાણ્યા ઈસમે ગોળી મારી
- ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ