જૂનાગઢઃ સૌ પ્રથમવાર જૂનાગઢમાં શાળા કક્ષાનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં પ્રધાન મંત્રી શ્રી કન્યા શાળામાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના પ્રયોગો રજૂ કર્યા હતા. કુલ 125 વિદ્યાર્થીઓએ 65 કરતાં વધુ શૈક્ષણિક મોડલ્સ તૈયાર કર્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તેમજ સ્થાનિકોનો સમાવેશ થતો હતો.
શાળા કક્ષાનું પ્રદર્શનઃ સામાન્ય રીતે ગણિત-વિજ્ઞાન વિષયના પ્રદર્શન તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોજાતા હોય છે. જો કે શાળા કક્ષાએ આ પ્રકારનું પ્રદર્શન એ જૂનાગઢના શિક્ષણ ઇતિહાસમાં પ્રથમ બનાવ છે. પ્રધાનમંત્રી કન્યા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ, ઈતર પ્રવૃત્તિની સાથે સર્જનાત્મક પ્રવૃત્તિ પણ વિકસે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શાળામાં વિષય શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે, પરંતુ તેઓ કંઈક જાતે શીખી શકે, અઘરા ગણાતા વિષયમાં રસ લે તે માટે શાળાના શિક્ષકો અને પ્રધાન આચાર્ય દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના સિદ્ધાંતોને પ્રયોગના રૂપમાં રજૂ કરવા મહેનત કરી રહ્યા હતા.
જ્ઞાન સાથે ગમ્મતઃ પ્રધાન મંત્રી કન્યાશાળામાં યોજાયેલ આ પ્રદર્શનમાં જ્ઞાન સાથે ગમ્મતનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ લેક્ચર પદ્ધતિથી શિક્ષણ મેળવીને કંટાળો પણ અનુભવતા હોય છે. જો તેઓ જાતે એક મોડેલ બનાવે તો ખૂબ જ ઓછી મહેનતે ઘણું સારું શીખી શકતા હોય છે. તેથી જ આ પ્રકારના સર્જનાત્મક પ્રવૃત્તિના શૈક્ષણિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના બને છે.