જૂનાગઢ: આજે ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસને દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા પાછલા બે દશકાના તારણો કાઢવામાં આવ્યા છે તે મુજબ ગુજરાત અને ગુજરાતીઓ દૂધના ઉત્પાદન અને તેના વપરાશમાં સવાયા સાબિત થયા છે. વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિ થકી ગુજરાતમાં દૂધનું ઉત્પાદન વધે તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા.
દૂધનું ઉત્પાદન અને તેના વપરાશમાં ગુજરાતીઓ સવાયા:આજે ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સહકાર થકી ગુજરાતમાં દુધનું ઉત્પાદન વધુ થાય તે માટે વર્ગીસ કુરિયને ગુજરાતને કેન્દ્ર સ્થાને રાખીને દૂધનું ઉત્પાદન થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે આજે ગુજરાતમાં ખરા અર્થમાં દૂધની નદીઓ વહી રહી છે તેવા અહેવાલો રાષ્ટ્રીય ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરાયા છે. પાછલા બે દશકા દરમિયાન ગુજરાતીઓ સમગ્ર દેશમાં દૂધના ઉત્પાદન અને તેના વપરાશમાં સવાયા શાબિત થયા છે. આજે પણ ગુજરાત ભારતમાં દૂધ ઉત્પાદનના ક્રમમાં ચોથા ક્રમનું રાજ્ય બન્યું છે.
પ્રતિ વર્ષ દૂધ ઉત્પાદનમાં વધારો:રાષ્ટ્રીય ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા દૂધના ઉત્પાદનના જે આંકડાઓ જાહેર કરાયા છે. તેમાં પાછલા 22 વર્ષમાં 119.63 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન સમગ્ર દેશમાં વધારો નોંધાયો છે. જેમાં ગુજરાત 172.80 લાખ મેટ્રિક ટન સાથે ચોથા ક્રમે આવે છે. જેને કારણે ભારત આજે વિશ્વસ્તરે દૂધ ઉત્પાદનના કેન્દ્રસ્થાને જોવા મળે છે. ગુજરાતીઓ દૂધના ઉત્પાદનની સાથે દૂધના વપરાશમાં પણ સવાયા સાબિત થયા છે. આજથી 20 વર્ષ પૂર્વે પ્રતિ વ્યક્તિ 251 મિલિગ્રામ દૂધની જરૂરિયાત હતી. તેમાં પણ આજે ખૂબ મોટો વધારો થયો છે. ગુજરાતમાં અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા વિશ્વના 50 દેશોમાં આજે પણ દૂધ અને તેની બનાવટોની નિકાસ થાય છે. જેને કારણે પણ ભારત દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વના કેન્દ્રસ્થાને રહ્યું છે.