જુનાગઢ : આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થશે તેની સાથે સંભવત જુનાગઢ જિલ્લાની માણાવદર અને વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની જાહેરાત પણ શક્ય બને છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર કરતા માણાવદર અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. ભુપત ભાયાણી અને અરવિંદ લાડાણીએ રાજીનામું આપતા આ બંને બેઠકો ખાલી પડી છે. ત્યારે જુનાગઢ લોકસભા કરતા પણ માણાવદર અને વિસાવદરમાં ઉમેદવારોને લઈને ચર્ચાઓ જોવા મળે છે.
માણાવદર વિસાવદરમાં પેટાચૂંટણી આગામી દિવસોમાં કોઈપણ સમયે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ શકે છે. જેની સાથે જૂનાગઢ જિલ્લાની માણાવદર અને વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે. વિસાવદર બેઠક પરથી ભુપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે, તો બીજી તરફ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપીને આગામી શનિવારે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, તેની વચ્ચે જુનાગઢ લોકસભાના ઉમેદવાર કોણ તેવી ચર્ચાની વચ્ચે હવે જુનાગઢ જિલ્લાની વિસાવદર અને માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કોણ હશે તેને લઈને ઇન્તઝારી દિવસેને દિવસે વધી રહી છે.
2019માં પણ હતી પેટાચૂંટણી વર્ષ 2019માં લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાઇ હતી. સતત પાંચ વર્ષ બાદ બે વખત લોકસભાની સામાન્ય ચૂંટણીને સાથે માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. જેની સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ હાથ ધરાશે. જુનાગઢ લોકસભા બેઠકના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે બે વિધાનસભાની પેટાચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાઇ રહી છે જેને લઈને પણ ઇન્તેઝારી વધી રહી છે. વર્ષ 2019માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં. ત્યારબાદની પેટાચૂંટણીમાં જવાહર ચાવડાનો ખૂબ જ પાતળી બહુમતીથી કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે વિજય થયો હતો. ત્યારે ફરી એક વખત રાજકીય ઘટનાક્રમ પુનરાવર્તિત થઈ રહ્યો છે. અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે જેને કારણે વિધાનસભા બેઠક ખાલી પડી છે. ત્યારે માણાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવારને લઈને પણ હવે ચર્ચાઓ તેજ બની રહી છે.
માણાવદર બેઠક પર ઉમેદવાર કોણમાણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કોણ તેને લઈને પણ ચર્ચાઓ જાગી રહે છે. માણાવદર બેઠક પરથી પૂર્વ કેબિનેટપ્રધાન જવાહર ચાવડાની સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા અરવિંદ લાડાણી અને ગાઠીલા ઉમાધામ સંસ્થાના પ્રમુખ નિલેશ ધુલેશિયા મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. તો સાથે સાથે સાવજ ડેરીના પ્રમુખ દિનેશ ખટારીયા પણ માણાવદર બેઠક લડવાને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. આ તમામ શક્યતાઓની વચ્ચે કોંગ્રેસ પાસે ઉમેદવારો પસંદ કરવાને લઈને ખૂબ જ મર્યાદિત શક્યતાઓ છે. જે પૈકી પાછલી બે વિધાનસભાથી તૈયારી કરતા અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા રાજકોટના હરિભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. કોંગ્રેસ અહીંથી કડવા પાટીદાર ઉમેદવારની સાથે મતદારોને ચોંકાવી શકે તે માટે લેઉવા પાટીદાર ઉમેદવારને પણ પસંદ કરી શકે છે.
- Junagadh Eco Sensitive Zone: ઇકો ઝોનને લઈને વન પ્રધાનનો સંકેત, ખેડૂતોને મળી શકે છે સારા સમાચાર
- Junagadh Political News : સંભવિત આપ અને કોંગ્રેસનું ચૂંટણી જોડાણ લોકસભામાં ભાજપ માટે સર્જી શકે છે મુશ્કેલી