જૂનાગઢ:દિવાળીના તહેવારમાં તમે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન કરતા લોકોને જોયા હશે, પરંતુ જૂનાગઢનો કોટેચા પરિવાર છેલ્લા 40 વર્ષથી દિવાળીના દિવસે પુત્રવધુ અને પુત્રીઓના પૂજનનો પ્રસંગ અનોખી રીતે ઉજવે છે. 40 વર્ષ પૂર્વે શરૂ થયેલી કોટેચા પરિવારની આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે. સાસુ અને પુત્રવધુ એકબીજાનું પૂજન કરે આરતી ઉતારે અને ચરણસ્પર્શ કરીને વર્ષ દરમિયાન થયેલી નાની મોટી ભૂલોની ક્ષમા માંગે. આ પ્રકારની પરંપરા કોટેચા પરિવારના પુરુષો પણ અદા કરે છે. જેમાં પ્રત્યેક પુરુષ પોતાની પત્ની અને પોતાની પુત્રીની આરતી ઉતારી તેની માફી માંગે છે. આ પ્રકારની પરંપરા જૂનાગઢમાં એકમાત્ર કોટેચા પરિવારમાં જોવા મળે છે.
આધુનિક સમયમાં વિભક્ત કુટુંબ સૌથી મોટી સમસ્યા
આધુનિક સમયમાં વિભક્ત કુટુંબો સમાજ વ્યવસ્થાની સૌથી મોટી સમસ્યા તરીકે સામે આવી રહ્યા છે. પરિવારો એકદમ નાના બનતા જાય છે. જેને કારણે પારિવારિક સંસ્કૃતિ ખૂબ તૂટતી જાય છે. તેની વચ્ચે પાછલા 40 વર્ષથી જૂનાગઢનો કોટેચા પરિવાર કે જેમાં 30 જેટલા સદસ્યો આજે પણ એક રસોડે ભોજન બનાવીને જમે છે. આ પ્રકારની પારિવારિક ભાવના પણ આજના સમયમાં દીવો લઈને શોધવા જઈએ તો પણ મળવી ખૂબ મુશ્કેલ છે. કોટેચા પરિવાર માને છે કે પરિવારની ભાવના અને ખાસ કરીને પુત્રવધુ અને સાસુ વચ્ચેનો સંબંધ કોઈપણ પરિવારને સમૃદ્ધ રાખવા માટે પૂરતો છે. જેથી દર વર્ષે દિવાળીના દિવસે સાસુ વહુના પૂજનની સાથે પ્રત્યેક પુરુષ પોતાની પત્નીની પૂજા કરીને પરિવારની એકતા પારિવારિક સંસ્કૃતિ અને એકમેકની ભાવના વ્યક્ત કરવાને કારણે પણ આજે પરિવાર એક જૂટ જોવા મળે છે.