જૂનાગઢ:આજે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મ જયંતી ખેડૂત દિવસ તરીકે સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલની હાજરીમાં ખેડૂતોને સન્માનવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેતી ક્ષેત્રમાં અને ખાસ કરીને ડ્રોન ટેકનોલોજીમાં મહિલા ખેડૂત આગળ આવે તે વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ખેડૂત દિવસની જૂનાગઢમાં ઉજવણી
આજે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ ની જન્મ જયંતી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવી છે. ત્યારે આજે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલની હાજરીમાં કૃષિ મેળા અંતર્ગત ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખેતી સાથે જોડાયેલા મહિલા અને પુરુષ ખેડૂતોએ હાજરી આપી હતી. રાજ્યની સરકાર ખેતી ક્ષેત્રમાં હવે મહિલાઓ પણ ખૂબ ઉમળકાભેર આગળ વધે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ખેતીમાં દવા અને ખાતરના છંટકાવ માટે આધુનિક ડ્રોન ટેકનોલોજી પણ હવે અમલમાં મૂકવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ખાસ ડ્રોન ચલાવતી મહિલાઓ પણ ખેતી ક્ષેત્રમાં આગળ વધે તે માટે પ્રયાસ શરૂ કરાયા છે.