જૂનાગઢ: ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં ગળામાં ફાંસલા અને પથ્થર બાંધેલા અને ઝાડ પર લટકતા દીપડાના મૃતદેહના મામલામાં વન વિભાગે વડવિયાળા ગામના ખેડૂત દેવશી જાદવની દીપડાને મોતને ઘાટ ઉતારવાના ગુનામાં અટકાયત કરી છે. ખેડૂતને આજે ગીર ગઢડા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી ખેડૂત દેવશી જાદવને વન વિભાગના રિમાન્ડમાં મોકલવાનો આદેશ કર્યો છે.
દીપડાના મોતના મામલામાં વડવિયાળાનો ખેડૂત ઝડપાયો:ગત 10 તારીખ અને મંગળવારના દિવસે સાંજના ચાર કલાકની આસપાસ જસાધાર વન વિભાગના નવા બંદર વિસ્તારના વન કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. આ સમયે સરકારી ખરાબાની જમીનમાં ઝાડ પર ગળામાં શિકારી ફાંસલો અને પથ્થર બાંધેલા એક નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને વન વિભાગના કર્મચારીઓ ચોકી ગયા હતા.
દીપડાને મોતને ઘટ ઉતારનાર શખ્સની અટકાયત: દીપડાને કોઈ વ્યક્તિ દ્વારા મોતને ઘાટ ઉતારીને આ પ્રકારે સરકારી ખરાબાની જમીનના ઝાડ પર લટકાવી ગયાની પ્રબળ શંકાને આધારે તપાસ શરૂ કરી હતી. તે જ દિવસે વન વિભાગે વડવિયાળા ગામના એક વ્યક્તિની શંકાને આધારે અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી. પકડાયેલ આરોપીને વન વિભાગે ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર મામલામાં દીપડાના મોતનું સાચું કારણ શું છે તે જાણવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બે દિવસની વન વિભાગની તપાસમાં ખેડૂતે દીપડાને મોતને ઘાટ ઉતાર્યો છે તેવી હકીકત સામે આવતા વન વિભાગે દેવશી જાદવની અટકાયત કરી હતી.